માંડવીના જ્વેલર્સ શો રૂમમાંથી સોનું ખરીદી રિક્ષામાં જતા દંપતીના દાગીના સેરવી લઇ ઠગ મહિલા ફરાર

ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમોએ રિક્ષા અને આરોપીના સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ કરી

MailVadodara.com - A-woman-thief-absconded-after-stealing-the-jewelry-of-a-couple-who-were-traveling-in-a-rickshaw-after-purchasing-gold

- ખોડિયારનગર વિસ્તારમાં રહેતું દંપતિ સોનું ખરીદી કર્યા બાદ ટીવીનું રીમોટ લેવા ગયું હતું

- વડોદરામાં દોઢ વર્ષ પહેલાં પણ એક ડઝન મુસાફરોને લૂંટનાર ગેંગ પકડાઇ હતી

રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં ફરતા લૂંટારાઓ દ્વારા સિફતપૂર્વક કિંમતી સામાન વગે કરવાના બનાવો વારંવાર બનતા હોય છે. આ પ્રકારના ઠગોની નજર બેન્ક, આંગડિયા અને જ્વેલર્સના ગ્રાહકો પર પણ હોય છે. આવા જ એક કિસ્સામાં સોનું ખરીદી નીકળેલા દંપતીએ સવા ત્રણ લાખના દાગીના ગુમાવ્યા છે.

ખોડિયારનગરના ક્રિષ્ણા પેરેડાઇઝ ખાતે રહેતા મૂળ રાજસ્થાનના વતની નારાયણદાસ માધવાણી (ઉ.વ. ૭૨)એ પોલીસને કહ્યું છે કે, તા.૨૬મીએ હું મારી પત્ની અને સાળી સાથે માંડવીના લાડલા જ્વેલર્સને ત્યાં સોનું ખરીદવા ગયા હતા.અમે સોનાનો સેટ, વીંટી, બુટ્ટી, ચેન જેવા રૂપિયા પોણા છ લાખ ઉપરાંતના દાગીના ખરીદ્યા હતા. ત્યારબાદ અમારે ટીવીનું રીમોટ લેવાનું હોવાથી રાવપુરા ગયા હતા. જે દરમિયાન માંડવીથી રિક્ષામાં બેઠા ત્યારે એક મહિલા રિક્ષામાં બેઠી હતી. જેણે પંજાબી ડ્રેસ અને મોંઢે દુપટ્ટો બાંધેલ હતો.રાવપુરામાં રીમોટ નહિં મળતાં રાજમહેલ રોડ આવ્યા હતા અને ત્યાંથી રીમોટ લઇ ઘેર ગયા હતા.

નારાયણદાસ માધવાણીએ વધુમાં કહ્યું હતું કે, રસ્તામાં મારી સાળીએ સોનું મુક્યું હતું તે બેગની ચેન ખુલ્લી હોવાનું કહેતાં મારી પત્નીએ ચેન બંધ કરી હતી. પરંતુ ઘેર આવીને જોતાં ખરીદેલા દાગીનામાંથી ૧૭ ગ્રામનો સેટ અને ૫.૫ ગ્રામની વીંટી મળી રૂપિયા ૩.૫૦ લાખના દાગીના ગાયબ હતા. હરણી પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં અગાઉ રિક્ષામાં મુસાફરોને લૂંટતી મહેમદાવાદની ગેંગ પોલીસે ઝડપી પાડી હતી. મુસાફરના સ્વાંગમાં અગાઉથી જ રિક્ષામાં ગોઠવાઇ જતી મહિલા અને પુરુષ સાગરીતો દ્વારા સિનિયર સિટિઝનોને વધુ ટાર્ગેટ કરવામાં આવતા હતા. દોઢ વર્ષ પહેલાં ક્રાઇમ બ્રાન્ચે મહેમદાવાદની ગીતા વાઘેલા અને જુદા-જુદા શહેરોમાં ૨૫ જેટલા ગુનાઓ આચરનાર રાજેશ પરમારને સાગરીતો સાથે ઝડપી એક ડઝન થી વધુ સોનાની ચેન કબજે કરી હતી. આમ છતાં આ પ્રકારના બનાવો બનવા માંડતા ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમોએ રિક્ષા અને આરોપીના સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ કરી છે.

Share :

Leave a Comments