- ખરાબ રસ્તાના કારણે પટકાતા સિનિયર સિટીઝન વૃદ્ધ દંપતીએ તંત્ર સામે બળાપો કાઢ્યો
- મ્યુનિસિપલ કમિશનરે અગાઉ જાહેરાત કરી હતી કે, શહેરના તમામ માર્ગોના ખાડાનું રીપેરીંગ કરાશે, જોકે મ્યુનિ. કમિશનરના આદેશને અધિકારીઓ ઘોળીને પી ગયા હોય તેમ લાગે છે!!

વડોદરા શહેર સ્માર્ટ સિટીના નામે અધિકારીઓ વાહ વાહ લૂંટી રહ્યા છે અને રાહદારીઓ અકસ્માતના ભોગ બની રહ્યા છે. ત્યારે શહેરના રાવપુરા કોઠી ચાર રસ્તા પાસે છેલ્લા ઘણા સમયથી પડેલા ખાડાના કારણે અનેક વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, તેવામાં આજે એક સિનિયર સિટીઝન મહિલા તેમના પતિ સાથે મોપેડ પર પસાર થઈ રહ્યા હતા. ત્યારે ખાડામાં પડતા મહિલા નીચે પટકાતા તેમને માથાના ભાગે એન્ગલ વાગતા ઈજા પહોંચી હતી. જેથી તેઓએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.

વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનરે થોડાક દિવસો પહેલાં જાહેરાત કરી હતી કે, વડોદરા શહેરના તમામ માર્ગો પર ખાડા પડેલા છે તેનું રીપેરીંગ કરવામાં આવશે. પરંતુ મ્યુનિસિપલ કમિશનરના આદેશને અધિકારીઓ જાણે ઘોળીને પી ગયા હોય તેમ લાગી રહ્યું છે, કારણે વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલ કોઠી ચાર રસ્તા પાસે છેલ્લા ઘણા સમયથી પડેલા ખાડાના કારણે અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે. આજે સિનિયર સિટીઝન ત્યાંથી પસાર થતા હતા, ત્યારે ટુ વ્હીલર વાહન ખાડામાં પડતા વૃધ્ધ દંપતીની મહિલા નીચે પડતા માથાના ભાગે ઇજા પહોંચી હતી અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા.

આ અંગે ઇજાગ્રસ્ત મહિલા મીનાબેન પટેલે જણાવ્યું હતું કે, ખાડો હતો ત્યાં અન્ય સ્કૂટર ચાલકે સ્કૂટર દબાયું તો અમે ખાડાના કારણે કોઠી ચાર રસ્તા પર ગબડી પડ્યા હતા. આ અંગે મહિલાના પતિ રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમે અટલાદરથી સંગમ તરફ જતા હતાં. કોઠી ચાર રસ્તા પર લોખંડની એંગલ મૂકી છે. આ ખાડા કોર્પોરેશન વાળા પૂરતા નથી અને અહીંય અકસ્માત થાય તો જવાબદાર કોણ. ખાડાના કારણે મારી પત્નીને માથા વાગ્યું છે. આના માટે જવાબદાર કોણ.
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં જ્યાં જુઓ ત્યાં ખાડા નજરે પડી રહ્યા છે, થોડા સમય પહેલા ખાડાના કારણે એક રીક્ષા ચાલકનું મોત થયું હતું. જ્યારે કેટલાય વિસ્તારોમાં ખાડાઓના કારણે નાગરિકો અકસ્માતોનો ભોગ બની રહ્યા છે.


