- 27 જાન્યુઆરી, 1981ની રાત્રે મુસાફરોના સ્વાંગમાં બેઠેલા લૂંટારુઓએ ડ્રાઈવરને રિવોલ્વર બતાવી બસને લાકોદરા ગામની સીમમાં હાઈવે રોડ પર સાઈડમાં લેવડાવી મુસાફરો તેમજ કંડક્ટર પાસેથી રોકડ, ઘડિયાળો અને સોનાના દાગીના મળી 32,975ની લૂંટ ચલાવી હતી
વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચને એક જૂના અને ગંભીર ગુનામાં મોટી સફળતા મળી છે. કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 45 વર્ષ અગાઉ બનેલી ચકચારી લક્ઝરી બસ લૂંટના ગુનામાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને પોલીસે ઉત્તર પ્રદેશના કાસગંજ ખાતેથી ઝડપી પાડ્યો છે.
27 જાન્યુઆરી, 1981ની રાત્રે રાજકોટથી મુંબઈ જતી લક્ઝરી બસમાં મુસાફરોના સ્વાંગમાં બેઠેલા લૂંટારુઓએ ડ્રાઈવરને રિવોલ્વર બતાવી બસને લાકોદરા ગામની સીમમાં હાઈવે રોડ પર સાઈડમાં લેવડાવી હતી. ત્યારબાદ લૂંટારુઓએ મુસાફરો તેમજ કંડક્ટર પાસેથી રોકડ રકમ, ઘડિયાળો અને સોનાના દાગીના મળી કુલ રૂા.32,975ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
આ બનાવ અંગે કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, જેમાં સહ-આરોપી હબીબ અહેમદ અબ્દુલ શકુર પઠાણ ત્યારથી પોતાની ધરપકડ ટાળવા અલગ-અલગ જગ્યાએ નાસતો ફરતો હતો.
વડોદરા ગ્રામ્ય LCB પીઆઈ પી. જે. ખરસાણએ જૂના કેસની તપાસમાં હ્યુમન સોર્સથી બાતમી મળી હતી કે આ લૂંટમાં સામેલ અને વર્ષોથી ફરાર આરોપી હાલ ઉત્તર પ્રદેશના કાસગંજ સ્થિત તાતારપુર કોલોનીમાં પોતાના વતનમાં રહે છે. બાતમીના આધારે વડોદરા એલ.સી.બી.ની ટીમ તાત્કાલિક ઉત્તર પ્રદેશ પહોંચી હતી.
સ્થાનિક સરનામે સતત વોચ ગોઠવી આરોપી હબીબ અહેમદ અબ્દુલ શકુર પઠાણને તેના ઘરેથી જ દબોચી લીધો હતો. 45 વર્ષથી કાયદાની આંખમાં ધૂળ નાખીને ફરાર રહેલા આ આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે તેને કરજણ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.


