- ડ્રાઇવરના જણાવ્યા મુજબ, આઇસરમાં વધુ વજન ભરેલું ન હતું છતાં રસ્તો ધસી જતાં ટાયર ખૂપી ગયું હતું, ઘટનાને પગલે રસ્તાની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા
વડોદરા શહેરના વોર્ડ નંબર-8માં આવેલા વડીવાડી ગામ ખાતે આજે મુખ્ય માર્ગ પર કન્સ્ટ્રક્શન સામાન ભરેલો આઇસર ટ્રક અચાનક ફસાઈ ગયો હતો. રસ્તામાં ભુવો પડતાં આઇસરનું પાછળનું ટાયર જમીનમાં ખૂપી ગયું હતું. જેના કારણે માર્ગ પર વાહનવ્યવહારને પણ અસર થઈ હતી.

ડ્રાઇવરના જણાવ્યા મુજબ, આઇસરમાં વધુ વજન પણ ભરેલું ન હતું છતાં રસ્તો ધસી જતાં ટાયર ખૂપી ગયું હતું. ઘટનાને પગલે રસ્તાની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. ટ્રેક્ટર બોલાવી આઇસરનો સામાન ખાલી કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ક્રેનની મદદથી ફસાયેલા વાહનને બહાર કાઢવામાં આવ્યું હતું.
શહેરમાં વિવિધ માર્ગો પર ભુવા પડવા અને રસ્તા ધસી જવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય વાહનના ભારથી જ માર્ગ ધસી જતો હોય તો રસ્તાની કામગીરી અને ગુણવત્તા અંગે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માગ ઊઠી છે.


