વડોદરાની ઠગ મહિલાએ નોકરી-આવાસના નામે દંપતી સહિત ૩ મહિલા પાસેથી રૂા.16.12 લાખ પડાવી ફરાર

સરકારી નોકરી કે આવાસનું મકાન નહી અપાવતા મહિલા સામે જે.પી. રોડ પોલીસમાં ઠગાઇની ફરિયાદ

MailVadodara.com - A-thug-woman-from-Vadodara-absconded-after-extorting-Rs-16-12-lakh-from-3-women-including-a-couple-in-the-name-of-job-and-accommodation

- ઠગ મિત્તલ સાધુએ વિશ્વાસમાં લેવા માટે ટ્રેનિંગ લેટર પણ આવ્યો હતો

- મહિલાએ વડોદરા ઉપરાંત ભરૂચ સુરત અને અમદાવાદમાં પણ લોકો છેતરપિંડીઓ કરી હોવાનું જાણવા મળ્યું

વડોદરા શહેર ગોત્રી વિસ્તારમાં આવેલી મુખ્યમંત્રી ગૃહ યોજનાના મકાનમાં રહેતી ઠગ મહિલાએ દંપતીને પોલીસ તથા રેલવેમાં નોકરી અપાવવાના બહાને રૂ.7 લાખ તથા 3 મહિલાઓને આવાસના મકાનો અપાવવાનું કહીને રૂ.9.12 લાખ મળી કુલ 16.12 લાખ પડાવી લીધા હતા પરંતુ, કોઇ સરકારી નોકરી કે આવાસનું મકાન નહી અપાવતા મહિલા સામે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં યુવકે ઠગાઇની ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

વડદોરા શહેરના નજીક આવેલી બિલ કેનાલ રોડ પર આવેલી દેવેશ એમ્પેરિયામાં રહેતા પિયુશ પરષોતમભાઈ ચાવડાની પત્ની ઈશાબેને વર્ષ 2024માં પોલીસની ભરતી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું પરંતુ, અમદાવાદ ખાતે દોડના પ્રેક્ટિલમાં તે નાપાસ થયા હતા. આ દરમિયાન તેમના પિતરાઇ અરવિંદભાઈએ ઓળખીતા મિત્તલબેન કાર્તિક સાધુની સારી એવી ઓળખાણો છે. તે તારા પત્નીને પરીક્ષા પાસ કરાવવા માટે સેટિંગ કરી આપશે એમ કહ્યું હતું. જેની વાત અરવિંદભાઇએ મિતલબેનને વાત કરતા તેઓએ 3 લાખ રૂપિયામાં ઈશાનુ પોલીસમાં સેટીંગ કરી આપશે તેમ કહ્યું હતું.

મિત્તલેબેને યુવકની પત્ની ઈશાનો પોલીસ ભરતીની પ્રેકટીકલ પરીક્ષાનો કોલ લેટર અને આધારકાર્ડની નકલ મોકલવા માટે કહ્યુ હતું. કોલ લેટર જોયા બાદ મિત્તલબેન અરવિંદભાઈને તમારૂ કામ થઈ જશે પરંતુ, તમારે અડધુ પેમેન્ટ કરવું પડશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ આ ઠગ યુવતીએ પિયુષભાઈ ચાવડાને પણ રેલવેમાં કાયમી નોકરી અપાવવાની લાલચ આપી હતી. જેથી દંપતીને મહિલા પર વિશ્વાસ આવી જતા તેઓએ મહિલાના રૂપિયા 7 લાખ ચુકવી દીધા હતા પરંતુ, મહિલાઓ કોઇ સરકારી નોકરી અપાવી ન હતી.

આ ઉપરાંત ઠગ મહિલાએ દંપતીના 7 લાખ ઉપરાંત જ્યોતિબેન અરવિંદભાઈ કાછેલ, પ્રિયંકાબેન તથા ઉર્વશીબેન પરમારને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન આપવાનું કહ્યું હતું અને તેમની પાસેથી જ્યોતિબેન પાસેથી 6.12 લાખ રૂપિયા પ્રિયંકાબેન કલારા પાસેથી 2 લાખ તથા ઉર્વશીબેન પરમાર પાસેથી રૂપિયા 1 લાખ મળી કુલ રૂપિયા 16.12 લાખ જેટલી માતબર રકમ પડાવી હતી પરંતુ, ઠગ મહિલા મિત્તલ સાધુએ કોઇ સરકારી નોકરી અપાવી ન હતી કે, આવાસના મકાનો નહી અપાવીને તેમની સાથે ઠગાઇ આચરી હતી. જેથી બિલ વિસ્તારમાં રહેતા યુવકે ઠગ યુવતી મિત્તલ સાધુ સામે ઠગાઇની ફરિયાદ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

ફરિયાદી પિયુશભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, પહેલા મારી પત્નીને પોલીસમાં અને પછી મને રેલવેમાં નોકરી આપવાના નામે મિત્તલે અમારી પાસેથી 7 લાખ રૂપિયા પડાવ્યા હતા. તેણે મને કહ્યું હતું કે, હું ભરૂચમાં રેલવેમાં ક્લાર્ક તરીકે નોકરી કરું છું અને તમને પણ રેલ્વેમાં નોકરી અપાવી દઈશ, શરૂઆતમાં મને વિશ્વાસમાં લેવા માટે ટ્રેનિંગ લેટર પણ આવ્યો હતો. ત્યારબાદ તેણે મારી પાસે વધુ રૂપિયા માંગ્યા હતા. ત્યારબાદ તેણે મને નોકરી માટેનો બોગસ જોઇનિંગ લેટર પણ ઈમેલથી મોકલ્યો હતો. આ મહિલાએ વડોદરા ઉપરાંત ભરૂચ સુરત અને અમદાવાદમાં પણ લોકો છેતરપિંડીઓ કરી હોવાનું જાણવા મળ્યું છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, 7 લાખ રૂપિયા આપ્યા પછી પણ મને અને મારી પત્ની નોકરી ન મળતા મને શંકા ગઈ હતી કે, અમને ફસાવવામાં આવ્યા છે. જેથી મેં 7 લાખ રૂપિયા પાછા માંગ્યા હતા. જેથી તેણે ચેક આપ્યો હતો પરંતુ, તે બાઉન્સ થયો હતો. હવે મારે ઘર ચલાવવુ પણ મુશ્કેલ થઈ ગયું છે. મેં નવું મકાન લીધું છે તેનો 20,000 રૂપિયાનો હપ્તો આવે છે અને મિતલબેનને નોકરીના પૈસા આપવા માટે 4 લાખની બેંકમાંથી લોન લીધી હતી, તેનો 11,000 રૂપિયાનો હપ્તો આવે છે. આમ, કુલ દર મહિને 31 હજાર રૂપિયા હપ્તો ચૂકવુ છું. પોલીસ પ્રશાસનને મારે એટલી જ અપીલ છે કે અમારા રૂપિયા પરત અપાવી દે, જેથી કરીને અમે મુશ્કેલીમાંથી બહાર આવીએ.

Share :

Leave a Comments