- બિહારથી 38 કલાકની મુસાફરી કરી પરિવાર વડોદરા પહોંચ્યો, જરૂરી દસ્તાવેજોની ચકાસણી બાદ કિશોરીને સુરક્ષિત રીતે પરિવારને સોંપવામાં આવી
- ચાઈલ્ડ હેલ્પલાઈન ટીમના પ્રયાસો સફળ થયા
વડોદરા રેલવે સ્ટેશન પરથી એકલી મળી આવેલી 12થી 13 વર્ષની પરપ્રાંતીય કિશોરીને ચાઈલ્ડ હેલ્પલાઈન ટીમ, બાળ સુરક્ષા એકમ અને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના સંકલિત પ્રયાસોથી તેના બિહારના સમસ્તીપુર ખાતે રહેતા પરિવાર સાથે સફળતાપૂર્વક મિલન કરાવવામાં આવ્યું હતું. પરિવાર 38 કલાકની મુસાફરી કરીને વડોદરા પહોંચ્યો હતો અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી બાદ કિશોરીને સુરક્ષિત રીતે પરિવારને સોંપવામાં આવી હતી.

તા. 25 જુલાઈ, 2026ના રોજ પાયલ નામની કિશોરી વડોદરા રેલવે સ્ટેશન પરથી RPFને એકલી મળી આવી હતી. કિશોરીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તે બિહારના સમસ્તીપુરથી પોતાની માતા સાથે વડોદરા આવી હતી. માતા અન્ય એક અજાણ્યા પુરુષ સાથે વડોદરા આવી હોવાનું અને કિશોરીને કથિત રીતે માનસિક ત્રાસ તથા શારીરિક ઈજા પહોંચાડવામાં આવતી હોવાનું તેણે જણાવ્યું હતું. ત્યારબાદ અજાણ્યા વ્યક્તિ દ્વારા તેને ઘરની બહાર કાઢી મૂકવામાં આવતા કિશોરી રેલવે સ્ટેશન પહોંચી હતી.
ચાઈલ્ડ હેલ્પલાઈન ટીમે કિશોરીની આરોગ્ય તપાસ કરાવી તેને ચાઈલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ રજૂ કરી હતી. કમિટીના માર્ગદર્શન હેઠળ કિશોરીને સિતારે સંસ્થામાં આશ્રય આપવામાં આવ્યો હતો. દરમિયાન કિશોરી દ્વારા વડોદરામાં પોતાની માતાનું ઘર જોયું હોવાનું જણાવવામાં આવતા સંસ્થાના સ્ટાફ, ચાઈલ્ડ હેલ્પલાઈન ટીમ તથા મહિલા પોલીસ સ્ટાફ દ્વારા તેણીએ બતાવેલા સ્થળોએ અનેક વખત શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ કોઈ સફળતા મળી નહોતી.
આખરે ચાઈલ્ડ હેલ્પલાઈન ટીમ, વડોદરાએ બિહારની સમસ્તીપુર ચાઈલ્ડ હેલ્પલાઈનનો સંપર્ક કરી વીડિયો કોલ મારફતે કિશોરી સાથે વાતચીત કરાવી હતી. આ દરમિયાન સમસ્તીપુર ચાઈલ્ડ હેલ્પલાઈનની મદદથી કિશોરીના પરિવારનો સંપર્ક થતાં પરિવારજનોએ કિશોરી પોતાની દીકરી હોવાનું જણાવ્યું હતું અને તેને લેવા વડોદરા આવવાની તૈયારી દર્શાવી હતી. 8 ઓગસ્ટના રોજ કિશોરીના પરિવારજનો સમસ્તીપુર, બિહારથી આશરે 38 કલાકની મુસાફરી કરીને વડોદરા પહોંચ્યા હતા. જરૂરી પુરાવા અને દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ કિશોરીને સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપવામાં આવતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
આ સમગ્ર કામગીરીમાં ચાઈલ્ડ વેલ્ફેર કમિટી, બાળ સુરક્ષા એકમ, વડોદરા રેલવે પોલીસ, બિહાર પોલીસ, સિતારે સંસ્થા વડોદરા તથા ચાઈલ્ડ હેલ્પલાઈન ટીમ બિહારનો મહત્વપૂર્ણ સહયોગ મળ્યો હતો. સંકલિત પ્રયાસોના પરિણામે મુશ્કેલીમાં મુકાયેલી કિશોરીનું તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં સફળતા મળી હતી.


