- જિલ્લા શિક્ષણ વિભાગની કામગીરી સામે સવાલો
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બરોલી ગામે ધોરણ 1થી 8ની પ્રાથમિક શાળા આવેલી છે. આ શાળામાં ફરજ બજાવતા એક શિક્ષક આશિષભાઈ મહેન્દ્રભાઈ પટેલ છેલ્લા આઠ વર્ષથી સતત ગેરહાજર હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. મહત્વની બાબત એ છે કે શિક્ષક લાંબા સમયથી શાળામાં ફરજ પર હાજર ન હોવા છતાં તેમનું નામ આજે પણ શાળાના રજીસ્ટરમાં ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે.
શિક્ષક આશિષભાઈ મહેન્દ્રભાઈ પટેલ છેલ્લા આઠ વર્ષથી શાળામાં હાજર ન હોવા અંગે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. તાલુકા કક્ષાએથી આ બાબતે છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારીને રિપોર્ટ પણ મોકલવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવે છે. તેમજ સંબંધિત શિક્ષકને નોટિસો પણ પાઠવવામાં આવી હોવા છતાં આજદિન સુધી તેઓ શાળામાં ફરજ પર હાજર થયા નથી.
આ સમગ્ર મામલે શાળાના આચાર્યને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી રહ્યા છે અને મુખ્ય શિક્ષક રજા પર છે. શાળામાં ફરજ બજાવતા શિક્ષક લાંબા સમયથી ગેરહાજર હોવાની બાબત ઉચ્ચ કક્ષાએ રજૂ કરવામાં આવી હોવાનું પણ જણાવાયું હતું.
નિયમો મુજબ કોઈ શિક્ષક લાંબા સમય સુધી ફરજ પર હાજર ન રહે તો તેની સામે વિભાગીય કાર્યવાહી કરવાની જોગવાઈ હોવા છતાં અહીં છેલ્લા આઠ વર્ષથી શિક્ષક ગેરહાજર હોવાના આક્ષેપો વચ્ચે હજુ સુધી સસ્પેન્શન સહિતની કડક કાર્યવાહી કેમ કરવામાં આવી નથી તે મોટો સવાલ બની રહ્યો છે.
છોટાઉદેપુર જિલ્લામાં આવા કેટલા શિક્ષકો વર્ષોથી શાળામાં હાજર થતા નથી તેની પણ તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. ખાસ કરીને બરોલી પ્રાથમિક શાળામાં છેલ્લા આઠ વર્ષથી શિક્ષક ફરજ પર આવતા ન હોય તો પણ તેમનું નામ રજીસ્ટરમાં કેમ ચાલુ રાખવામાં આવ્યું છે? તે અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
જો બરોલી પ્રાથમિક શાળાના આ શિક્ષક સામે નિયમ મુજબ કાર્યવાહી કરી તેમને સસ્પેન્ડ કરવામાં આવે તો શિક્ષકનું મહેકમ ખાલી થઈ શકે અને તેના સ્થાને અન્ય શિક્ષકની નિમણૂકનો માર્ગ મોકળો થઈ શકે. હાલ શિક્ષકનું મહેકમ ખાલી ન હોવાથી શાળામાં અન્ય શિક્ષકની નિમણૂક કરવામાં મુશ્કેલી ઊભી થતી હોવાનું પણ સામે આવે છે.
આવી પરિસ્થિતિમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ સમગ્ર મામલે ગંભીરતાથી ધ્યાન આપી, વર્ષોથી શાળામાં હાજર ન થતા શિક્ષકો અંગે તપાસ કરવી જોઈએ અને નિયમ મુજબ કાર્યવાહી માટે શિક્ષણ નિયામકને ભલામણ કરવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. પરંતુ બરોલી પ્રાથમિક શાળાના આ મામલે આઠ વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી કડક કાર્યવાહી કેમ કરવામાં આવી નથી તે અંગે જિલ્લા શિક્ષણ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
હાલ તો બરોલી પ્રાથમિક શાળામાં આઠ વર્ષથી ગેરહાજર હોવાના આક્ષેપો ધરાવતા શિક્ષકનું નામ રજીસ્ટરમાં ચાલી રહ્યું છે. આ શિક્ષક સામે ક્યારે અને કઈ કાર્યવાહી કરવામાં આવે છે તે હવે તપાસનો વિષય બન્યો છે.
જશવંતભાઈ વણકર છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ના જણાવ્યા મુજબ 2016 17 થી શિક્ષક સતત ગેરહાજર છે અને એને નોટિસ આપવામાં આવી છે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવશે
પીનલબેન આચાર્ય બરોલી પ્રાથમિક શાળા મુજબ હું એક દિવસની ઇન્ચાર્જ હાજર છું અને મને જાણ મુજબ અમારી શાળામાં આશિષભાઈ મહેન્દ્રભાઈ પટેલ 2016 થી શાળામાં આવતા નથી રજીસ્ટરમાં તેમનું નામ બોલે છે જ્યારે બાળકોના અભ્યાસ ઉપર કોઈ અસર પડતી નથી હાલ તો રજીસ્ટર પર નામ ચાલતો હોવાથી શિક્ષકને અમારા આચાર્ય નોટી તો પણ આપેલ છે અને તેઓ સામે કાર્યવાહી કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખીતમા મોકલેલ છે


