- આપઘાત પહેલાં યુવકે માતા-પિતાને સંબોધીને 6 પાનાની સુસાઈડ નોટ લખી લાંબો વીડિયો પણ બનાવ્યો હતો, પોતાની માનેલી બહેનને ઉદ્દેશીને કહ્યું હતું કે, મેં તને બહુ જ હેરાન કરી છે
- માતા-પિતાને કહ્યું, ખબર નહીં હું આવું શા માટે કરું છું, પરંતુ મારા મનમાં આ ઘર કરી ગયું છે, હું તમને આ હાલતમાં છોડવા નહોતો માંગતો, હું અંદરથી મરી ગયો હોત તેમ લાગી છે
વડોદરા શહેરના આજવા રોડ પર રહેતા પોલિટેક્નિકના એક વિદ્યાર્થીએ ઘરના ત્રીજા માળે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. આપઘાત કરતાં પહેલાં યુવકે માતા-પિતાને સંબોધીને 6 પાનાની સુસાઈડ નોટ લખી હતી અને એક લાંબો વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેણે ભણતરમાં મળી રહેલી નિષ્ફળતા અને માનસિક વ્યથા વિશે જણાવ્યું હતું. બાપોદ પોલીસે યુવકનો મોબાઇલ અને અંતિમ ચિઠ્ઠી કબજે કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

યુવકે આપઘાત પૂર્વે બનાવેલા અંતિમ વીડિયોમાં પોતાની માનેલી બહેનને ઉદ્દેશીને ભાવુક શબ્દોમાં કહ્યું હતું કે, મેં તને બહુ જ હેરાન કરી છે. ભારી ભૂલને કારણે જ આપણે દુર થવું પડ્યું હતું. હવે હું જાઉં છું. તારા જેવી બેસ્ટ બહેન કોઈ નહોતી અને ક્યારેય મળશે પણ નહીં. તું તારું ધ્યાન રાખજે. હું બધી હિંમત હારી ગયો છું.
વધુમાં માતા-પિતાને લઈ કહ્યું કે, સોરી મમ્મી-પપ્પા, ખબર નહીં હું આવું શા માટે કરું છું, પરંતુ મારા મનમાં આ ઘર કરી ગયું છે. હું તમને આ હાલતમાં છોડવા નહોતો માંગતો. પપ્પા હું અંદરથી મરી ગયો હોત તેમ લાગી છે. મારૂ આખુ શરીર અંદરથી તૂટે છે. મને એમ લાગે છે કે, હું ભૂતની જેમ જીવું છું.

ધોરણ 12માં અભ્યાસ કરતા નાના ભાઈ દેવને સલાહ આપતા જણાવ્યું કે, તું મમ્મી-પપ્પાને હિંમત આપજે અને તેમને દરેક ખુશી આપજે. તેમણે જીવનમાં બહુ સહન કર્યું છે. મમ્મી-પપ્પાની સામે ક્યારેય બોલતો નહીં. ભણવામાં ધ્યાન આપશે, સારી નોકરી કરજે, જરૂર હોય તે બધુ કરજે, હું જાઉં છું.
કિરણે પોતાની 6 પાનાની ચિઠ્ઠીમાં વિગતવાર વ્યથા ઠાલવતા લખ્યું હતું કે, મમ્મી-પપ્પા તમે અંદરોઅંદર ઝઘડો ન કરતા, શાંતિથી રહેજો અને તમારું ધ્યાન રાખજો. આ ભણવાનું મારાથી થતું નથી. મેં દરેક નિર્ણયો ખોટા લીધા છે. શોર્ટકટ લેવામાં મારાથી બધુ ખરાબ જ થતું હતું. કોલેજમાં પણ નાપાસ થયો. મારે ધંધો કરવાની ઈચ્છા હતી.
મળતી માહિતી મુજબ, શહેરના ચામુંડા નગર-2માં રહેતો 19 વર્ષીય કિરણ મકવાણા પોલિટેક્નિકના પ્રથમ વર્ષના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો. શનિવારે બપોરે આશરે 02.00 વાગ્યે તે જમીને ઘરના ત્રીજા માળે ગયો હતો. સાંજે 0500 વાગ્યે કિરણનું એક પાર્સલ આવ્યું હોવાથી કુરિયર બોય તેને સતત ફોન કરી રહ્યો હતો, પરંતુ કિરણ ફોન ઉપાડતો નહોતો. આથી તેની માતા ત્રીજા માળે તપાસ કરવા ગયાં હતાં, જ્યાં કિરણે હૂક પર દોરી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. માતાએ બૂમાબૂમ કરતાં પરિવારજનો તેને તાત્કાલિક સયાજી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
કિરણે આત્મહત્યા કરતાં પહેલાં તેની માનેલી બહેનને 3 વીડિયો મોકલ્યા હતા. જેમાં એક વીડિયો 8 મિનિટનો, બીજો 1 મિનિટનો અને ત્રીજો 35 સેકન્ડનો હતો. આ વીડિયો જોઈને તેની બહેને તેને ફોન પર ઘણો સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કિરણે આ અંતિમ પગલું ભરી લીધું હતું. બાપોદ પોલીસે આ ત્રણેય વીડિયો ટેકનિકલ એનાલિસિસ માટે મોકલીને તપાસ તેજ કરી છે.


