વડોદરા જિલ્લા પંચાયતની સમિતિઓની રચના માટે તા.18 જૂને ખાસ જનરલ બોર્ડ બેઠક બોલાવાશે

વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિઓની રચનાની કવાયત તેજ

MailVadodara.com - A-special-general-board-meeting-will-be-called-on-June-18-to-form-committees-of-Vadodara-District-Panchayat

- કારોબારી, શિક્ષણ, આરોગ્ય અને બાંધકામ સમિતિમાં સ્થાન મેળવવા સભ્યોના પ્રયાસો

- જિલ્લા પંચાયતમાં વિસરાયેલી સંકલન સમિતિ ફરી અમલમાં મુકવાની તૈયારી

વડોદરા જિલ્લા પંચાયતના વહીવટ માટે આઠ સમિતિઓની રચના માટે તા.૧૮મીએ ખાસ જનરલ બોર્ડની મીટિંગ બોલાવવાનો નિર્ણય લેવાયો છે.

વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપે સત્તા મેળવ્યા બાદ પ્રમુખ-ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનના હોદ્દા ફાળવવામાં આવ્યા છે,જ્યારે હવે પંચાયતના રોજબરોજના વહીવટ માટે જુદીજુદી આઠ સમિતિઓની રચના માટે કવાયત કરવામાં આવી રહી છે.

આ સમિતિઓમાં કારોબારી, શિક્ષણ, આરોગ્ય અને બાંધકામ સમિતિમાં સ્થાન મેળવવા માટે સદસ્યો દ્વારા પ્રયાસો થઇ રહ્યા છે.જે પૈકી કારોબારી સમિતિમાં ચેરમેનનો હોદ્દો જાહેર કરવામાં આવ્યો હોવાથી બાકીની સમિતિઓમાં ચેરમેનપદ મેળવવા માટે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો તેમના વિસ્તારના ધારાસભ્યો તેમજ સંગઠનના હોદ્દેદારોનું શરણું લઇ રહ્યા છે.

નોંધનીય છે કે,જિલ્લા પંચાયતની સમિતિઓમાં પાંચ થી નવ સદસ્યોનો સમાવેશ કરી શકાય છે અને નિયમ મુજબ ચૂંટાયેલા સદસ્યને બે થી વધુ સમિતિમાં સ્થાન મળી શકે તેમ નથી.

વડોદરા જિલ્લા પંચાયતમાં નવા સદસ્યોને માર્ગદર્શન મળી રહે તે માટે પૂર્વ હોદ્દેદારોને સક્રિય કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ,અગાઉ સંકલન સમિતિ કાર્યરત હતી અને પંચાયતની જનરલ બોર્ડ મીટિંગ પહેલાં સંકલન સમિતિની મીટિંગમાં વિગતવાર ચર્ચા થતી હતી.પરંતુ કેટલાક સમયથી આ પ્રથા બંધ થઇ છે. જિલ્લા પંચાયતમાં નવા સદસ્યોને માર્ગદર્શન મળી રહે અને અધિકારીઓનું રાજ ના સ્થપાય તે હેતુથી ચૂંટાયેલા સભ્યો, સંગઠનના હોદ્દેદારો અને પૂર્વ હોદ્દેદારોની એક સંકલન સમિતિની રચના બનાવવા વિચારણા ચાલી રહી છે.

Share :

Leave a Comments