- ડિહાઇડ્રેશન, ચક્કર, બેહોશી જેવા લક્ષણો સાથે હીટ સંબંધિત દર્દીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા
- બપોરના સમયે ખુલ્લામાં ન જવાની સલાહ આપવામાં આવી
હાલમાં ઉનાળાની શરૂઆત થતા જ કાળઝાળ ગરમીનો પ્રકોપ વધતો જતો હોવાથી વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલે હીટસ્ટ્રોક અને તેનાથી સંબંધિત ઇમર્જન્સીના દર્દીઓ માટે વિશેષ વોર્ડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
હોસ્પિટલના તંત્ર દ્વારા ઇમર્જન્સી મેડિસિન વિભાગના ઉપરના માળે હીટસ્ટ્રોક દર્દીઓ માટે અલગ 20 બેડનો વોર્ડ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યો છે. જરૂર પડે તો આ બેડની સંખ્યા વધારવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે તેવું હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ. હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું છે.

આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ તાપમાનમાં ઝડપી વધારો થયો છે. આ કારણે ડિહાઇડ્રેશન, ચક્કર, બેહોશી જેવા લક્ષણો સાથે હીટ સંબંધિત દર્દીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. આવા કિસ્સાઓમાં તાત્કાલિક અને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી આ વિશેષ વોર્ડની સુવિધા શરૂ કરવામાં આવી છે.
હાલમાં આ વોર્ડમાં એક પણ દર્દી દાખલ નથી પરંતુ તબીબની સલાહ છે કે લોકોને અતિશય ગરમીમાં બહાર નીકળતી વખતે પૂરતું પાણી પીવું, હળવા કપડાં પહેરવા અને બપોરના સમયે ખુલ્લામાં ન જવાની સલાહ આપવામાં આવી રહી છે.


