- ડ્રાઇવરની બાજુમાં બેઠેલો યુવક ચગદાઈ જતાં મૃતકને કાઢવા ફાયર વિભાગની મદદ લેવાઈ
- છોટાહાથી ચાલકને પણ ઇજાઓ પહોંચી, મૃતકના સાળાએ ચાલક સામે ફરિયાદ નોંધાવી

વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે 3 જુલાઈની મોડીરાત્રે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં તરસાલી બ્રિજથી કપુરાઈ ચોકડી તરફ આવતા કપુરાઈ બ્રિજના સર્વિસ રોડ પર એક છોટાહાથી ચાલકે સાઈડમાં ઉભેલા ટ્રેલરને પાછળથી ટક્કર મારતા છોટાહાથીના ચાલકની બાજુમાં બેઠેલા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં છોટાહાથીની કેબિનનો બુકડો બોલી ગયો હતો અને મૃતક કેબિનમાં ચગદાઈ ગયો હતો. મૃતક યુવકને બહાર કાઢવા માટે ફાયર વિભાગને મદદ લેવામાં આવી હતી.

વડોદરા શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા કપુરાઈ બ્રિજ પાસે તરસાલીથી કપુરાઈ ચોકડી તરફ આવતા બ્રિજના સર્વિસ રોડ પરથી પસાર થતા છોટાહાથી ચાલક તોસીફ શબ્બીરભાઈ રાઠોડ (ઉં.વ. 34 રહે. પહાડ ગામ તિલકવાડા નર્મદા) ગફલત ભરી અને બેદરકારી પૂર્વક પોતાનું વાહન ચલાવી રોડની સાઈડમાં ઉભેલા ટ્રેલરને પાછળથી ટક્કર મારી હતી. જેમાં તેઓની બાજુમાં બેઠેલા ફરિયાદી કિશનભાઈ તડવીના સાળા નિલેશભાઈ તડવીનું ઘટનાસ્થળે જ ગંભીર ઇજાઓને લઈ મોત નીપજ્યું હતું.

આ બનાવવાની જાણ વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગને કરવામાં આવતા ગાજરાવાડી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. છોટાહાથી ચાલકની બાજુમાં બેઠેલા મૃતક નિલેશભાઈ તડવીને ફાયર વિભાગે ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા.
આ બનાવ અંગેની જાણ કપૂરાઈ પોલીસને થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં આરોપી છોટાહાથી ચાલકને પણ ઇજાઓ પહોંચતા હાલમાં સારવાર લઈ રહ્યો છે. ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને મૃતક નિલેશ તડવીને પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી અર્થે સરકારી સયાજી હોસ્પિટલમાં મૃતદેહને ખસેડવામાં આવ્યું છે.


