હાથીખાનામાં શોર્ટ સર્કિટથી લાકડા-ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી!, બાજુની ગાદલાની દુકાન પણ ખાખ

કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતાં લોકોમાં ભયનો માહોલ, વીજ પુરવઠો પણ બંધ કરાયો હતો

MailVadodara.com - A-short-circuit-in-Hathikhana-caused-a-massive-fire-in-a-wood-and-scrap-warehouse-The-mattress-shop-next-door-was-also-gutted

- સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગને ફેલાતી અટકાવી, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો

વડોદરાના હાથીખાના વિસ્તારના પાછળના ભાગે આવેલી તુલસીવાડી નજીક એક લાકડા અને ભંગારની વખારમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના પાછળ શોર્ટ સર્કિટ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. શોર્ટ સર્કિટના કારણે જ્વાળાઓ શરૂ થયા બાદ વખારમાં મોટા પ્રમાણમાં જ્વલનશીલ લાકડા અને ભંગારનો જથ્થો સંગ્રહિત હોવાથી આગે જોતજોતામાં અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.


આગની ઝપેટમાં આવતા આસપાસના વિસ્તારમાં કાળા ડીબાંગ ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા. આગે એટલું ભયાનક સ્વરૂપ પકડ્યું હતું કે તે જોતજોતામાં વખારની બાજુમાં જ આવેલી એક ગાદલાની દુકાન સુધી પ્રસર ગઈ હતી અને તેને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. ગાદલાઓ પણ ઝડપથી આગ પકડી લેતા પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી. ઘટનાની ગંભીરતાને પારખીને સ્થાનિક રહીશો તાત્કાલિક હરકતમાં આવ્યા હતા અને આગ વધુ ફેલાતી અટકાવવા માટે પોતે જ પાણીનો મારો ચલાવવાનું શરૂ કરી દીધું હતું.


સ્થાનિકોની આ સતર્કતા અને સમયસૂચકતાને કારણે આગ આસપાસના અન્ય રહેણાંક અને વ્યાપારી મકાનો સુધી પહોંચતા અટકી ગઈ હતી. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં જ ફાયર ફાઈટરોની ટીમો ગણતરીની મિનિટોમાં સ્થળ પર દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક ચારેય તરફથી પાણીનો ભારે મારો ચલાવીને અથાક જહમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને બચાવ કામગીરી સુરક્ષિત રીતે થઈ શકે તે માટે સુરક્ષાના પગલારૂપે તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યો હતો.

સુખદ વાત એ રહી કે આ સમગ્ર આકસ્મિક હોનારતમાં કોઈ પણ પ્રકારની જાનહાની નોંધાઈ નથી, જેના કારણે સ્થાનિક લોકો અને તંત્રએ મોટો હાશકારો અનુભવ્યો હતો. જોકે, ભીષણ આગના કારણે લાકડા-ભંગારની વખાર અને બાજુમાં આવેલી ગાદલાની દુકાન સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી, જેનાથી ભારે આર્થિક નુકસાન થવા પામ્યું છે. ફાયર બ્રિગેડે આગ સંપૂર્ણપણે ઓલવાઈ ગયા બાદ કૂલિંગ કામગીરી હાથ ધરી હતી અને પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં હોવાનું જાહેર કર્યું હતું.

Share :

Leave a Comments