સોખડા ગામમાં આશરે 120 ફૂટ જેટલા ઊંડા કૂવામાં ખાબકેલી ઢેલનું 4 કલાકની ભારે જહેમતે રેસ્ક્યૂ કરાયું

રક્ષાબંધનના દિવસે ગામમાંથી કૂવામાં ઢેલ પડી ગઈ હોવાનો તાકીદનો રેસ્ક્યૂ કોલ મળ્યો હતો

MailVadodara.com - A-peahen-that-had-fallen-into-a-well-approximately-120-feet-deep-in-Sokhda-village-was-rescued-after-four-hours-of-strenuous-effort

- નેચર હેલ્પ ફાઉન્ડેશનની રેસ્ક્યૂ ટીમે ઊંડા કૂવામાં ઉતરી ઢેલને સહીસલામત બહાર કાઢી પ્રાથમિક શારીરિક તપાસ કરાવાઇ હતી

- વન વિભાગને જાણ કરી ઢેલને કુદરતી વાતાવરણમાં મુક્ત કરાઈ

વડોદરા નજીક આવેલા સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર હરિધામ સોખડા ગામમાં આશરે 100થી 120 ફૂટ જેટલા ઊંડા કૂવામાં અચાનક એક ઢેલ ખાબકી હોવાની ઘટના સામે આવી હતી. પવિત્ર રક્ષાબંધનના તહેવારના દિવસે બનેલી આ ઘટના અંગે જાણ થતાં જ સાંજે આશરે 4 વાગ્યાના સુમારે નેચર હેલ્પ ફાઉન્ડેશનની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.


રેસ્ક્યૂ ટીમના સભ્યોએ ઊંડા કૂવામાં ઉતરીને ભારે જહેમત અને સાહસિક પ્રયાસો થકી આશરે 3થી 4 કલાકના લાંબા ઓપરેશન બાદ ઢેલને સહીસલામત બહાર કાઢી તેના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરી હતી.

નેચર હેલ્પ ફાઉન્ડેશનના સભ્ય હેમંત વઢવાણાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, રક્ષાબંધનના દિવસે ગામમાંથી કૂવામાં ઢેલ પડી ગઈ હોવાનો તાકીદનો રેસ્ક્યૂ કોલ મળ્યો હતો. ટીમ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે કૂવો 100 થી 120 ફૂટ જેટલો ઊંડો અને અત્યંત વિશાળ હતો. કૂવાના તળિયે મોટા પ્રમાણમાં કાટમાળ અને કચરો જમા થયેલો હોવાના કારણે પક્ષીને ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી ખૂબ જ પડકારજનક અને જોખમી બની ગઈ હતી.


આ કપરી પરિસ્થિતિમાં ટીમના સભ્યોએ યોગ્ય ટેકનિક, દોરડા, ખાસ રેસ્ક્યૂ નેટ અને સેફ્ટી ગિયર્સ જેવા આધુનિક સુરક્ષા સાધનોનો ઉપયોગ કરીને યોજનાબદ્ધ કામગીરી હાથ ધરી હતી. ટીમ મેમ્બર્સ સાવચેતીપૂર્વક કૂવામાં ઉતર્યા હતા અને ઢેલ વધુ ગભરાય નહીં તે રીતે તેને સુરક્ષિત રીતે કાબૂમાં લીધી હતી. કોઈપણ પ્રકારની ઈજા વગર ઢેલને કૂવામાંથી હેમખેમ બહાર લવાતાં સ્થાનિક ગ્રામજનો અને જીવદયા પ્રેમીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ સમગ્ર સફળ અને સાહસિક રેસ્ક્યૂ ઓપરેશન નેચર હેલ્પ ફાઉન્ડેશનના સભ્યો મુકુંદ પરમાર, હેમંત વઢવાણા અને ઋત્વિક જેસર દ્વારા સંયુક્ત રીતે પાર પાડવામાં આવ્યું હતું. કૂવામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા બાદ ઢેલની પ્રાથમિક શારીરિક તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર મામલે સ્થાનિક વન વિભાગને સત્તાવાર જાણ કરીને ઢેલને સુરક્ષિત અને અનુકૂળ પ્રાકૃતિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવી હતી.

Share :

Leave a Comments