વડોદરા પાલિકાની વડી કચેરીમાં 19.10 લાખના ખર્ચે નવી લિફ્ટ ઇન્સ્ટોલ થશે, સ્થાયીમાં દરખાસ્ત રજૂ

ખંડેરાવ માર્કેટ કચેરીની 25 વર્ષ જૂની લિફ્ટમાં વારંવાર ખામી સર્જાતા બદલવાનો નિર્ણય

MailVadodara.com - A-new-lift-will-be-installed-in-the-Vadodara-Municipal-Corporation-main-office-at-a-cost-of-Rs-19-10-lakhs

- ખંડેરાવ માર્કેટ સ્થિત વડી કચેરીમાં જે ભાગ જર્જરિત થઈ ગયો છે જ્યાં ડેપ્યુટી કમિશનરની ઓફીસ સામે આવેલી 25 વર્ષથી વધુ જૂની લિફ્ટને બદલે હવે નવી લિફ્ટ ઇન્સ્ટોલ કરાશે

- જૂની લિફ્ટ વારંવાર બ્રેકડાઉન અને સ્પેરપાર્ટ્સ ઉપલબ્ધ ન હોવા અને વધતા રિપેરિંગ ખર્ચને ધ્યાનમાં રાખીને નવી લિફ્ટ નાખવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરાઇ

વડોદરા કોર્પોરેશનની ખંડેરાવ માર્કેટ સ્થિત વડી કચેરીમાં જે ભાગ જર્જરિત થઈ ગયો છે જ્યાં ડેપ્યુટી કમિશનરની ઓફીસ સામે આવેલી 25 વર્ષથી વધુ જૂની લિફ્ટને બદલે હવે નવી લિફ્ટ ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે. વારંવાર બ્રેકડાઉન, સ્પેરપાર્ટ્સ ઉપલબ્ધ ન હોવા અને વધતા રિપેરિંગ ખર્ચને ધ્યાનમાં રાખીને અંદાજે રૂ.19.10 લાખના ખર્ચે નવી લિફ્ટ નાખવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે.

પાલિકાની વડી કચેરીમાં કાર્યરત હાલની લિફ્ટ 25 વર્ષથી વધુ જૂની હોવાથી તેમાં વારંવાર ખામી સર્જાતી હતી. લિફ્ટમાં લોકો ફસાઈ જતા અનેક વખત ફાયર બ્રિગેડની મદદથી તેમને બહાર કાઢવાની નોબત આવતી હતી. ઉપરાંત જૂની લિફ્ટના સ્પેરપાર્ટ્સ બજારમાં ઉપલબ્ધ ન હોવાથી સમયસર સમારકામ થઈ શકતું ન હતું અને લિફ્ટ લાંબા સમય સુધી બંધ રાખવી પડતી હતી. જેના કારણે કર્મચારીઓ તેમજ કચેરીએ આવતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.

નવી 10 વ્યક્તિ ક્ષમતાની લિફ્ટ ઇન્સ્ટોલ કરવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવતા ત્રણ ઇજારદારોએ રસ દાખવ્યો હતો. જેમાં ઓરબીસ એલિવેટર કંપની લિમિટેડનું અંદાજિત રકમ કરતાં 12 ટકા ઓછું ભાવપત્રક સૌથી નીચું આવ્યું હતું. લિફ્ટ લાંબા સમયથી બંધ હોવાથી તેને તાત્કાલિક કાર્યરત કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનરની સૈદ્ધાંતિક મંજૂરી બાદ ઇજારદારને કામગીરી શરૂ કરવાનો હુકમ આપવામાં આવ્યો છે.

લિફ્ટનું હાલનું સ્ટ્રક્ચર પણ જૂનું હોવાથી દિવાલ તોડ્યા વિના જરૂરી ફેરફારો કરીને નવી લિફ્ટ સ્થાપવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ માટે વધારાના રૂ.1.64 લાખનો ખર્ચ થશે. એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ (AMC) સહિત કુલ રૂ.19,10,500ના ખર્ચની દરખાસ્ત હવે સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે.

Share :

Leave a Comments