માંજલપુરમાં સગીરા સાથે દુષ્કર્મ કરી વીડિયો બનાવ્યો, મિત્રને બતાવતા જ ભાંડો ફૂટ્યો, આરોપીની અટકાયત

સગીરા વારંવાર તેના ઘરે આવતી-જતી હોવાથી નજર રાખી આરોપી યુવકે હવસનો શિકાર બનાવી

MailVadodara.com - A-minor-girl-was-raped-and-videotaped-in-Manjalpur-a-commotion-broke-out-as-soon-as-he-showed-it-to-his-friend-the-accused-was-detained

- આરોપીએ વીડિયો મિત્રને બતાવ્યો હતો, જેથી મિત્રને જાણ થઇ કે વીડિયોમાં દેખાતી બાળકી તેના મિત્રની બહેન છે, જેથી તેણે તરત આ સમગ્ર ઘટનાની જાણ સગીરાના ભાઈને કરી હતી

- બાદમાં સગીરાના ભાઈએ બહેન પાસેથી વિગતો જાણી માંજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. 13 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરી તેનો અશ્લીલ વીડિયો બનાવી અન્ય મિત્રને બતાવતા ભાંડો ફૂટ્યો હતો. આ મામલે માંજલપુર પોલીસે યુવકની અટકાયત કરી હોવાની વિગતો સામે આવી છે. આરોપી સગીરાની બહેનપણીનો ભાઈ હોવાનું હાલમાં જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર, ઈદ પહેલાં સગીરા પોતાની બહેનપણીના ઘરે ગઈ હતી. આ દરમિયાન બહેનપણીના ભાઈએ તેની સાથે અશ્લીલ કૃત્ય આચર્યું અને તેનો વીડિયો પણ મોબાઇલમાં બનાવી લીધો હતો. ઘટનાને કેટલાક દિવસો બાદ આરોપીએ આ વીડિયો પોતાના એક મિત્રને બતાવ્યો હતો. બાદમાં આ સમગ્ર મામલાની જાણ થઈ હતી.

વીડિયો જોતાં જ મિત્રને ખ્યાલ આવ્યો કે વીડિયોમાં દેખાતી બાળકી તેના મિત્રની બહેન છે. તેણે તરત જ આ સમગ્ર ઘટનાની જાણ ભોગ બનેલી સગીરાના ભાઈને કરી હતી. બાદમાં સગીરાના ભાઈએ તેની બહેન પાસેથી વિગતો જાણીને માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતાં જ પોલીસ તરત હરકતમાં આવી અને આરોપીને અટકાયતમાં લીધો હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનાની ફરિયાદ નોંધાવવા માટે મોટી સંખ્યામાં લોકો પોલીસ મથકે પહોંચ્યા હતા.

દુષ્કર્મ આચરનાર આરોપી કોલેજમાં અભ્યાસ કરે છે. પાડોશમાં રહેતી સગીરા વારંવાર તેના ઘરે આવતી હોવાથી તે તેના પર નજર રાખતો હતો અને આખરે તેને પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. માંજલપુર પોલીસે સમગ્ર મામલે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments