સારંગપુર-વલસાડ બસમાં આધેડે સગીરાની છેડતી કરી, વિરોધ કરી પરિવારને જાણ કરતાં અભયમની મદદ લીધી

વટામણ નજીક પહોંચી ત્યારે આ આધેડે સગીરાને અયોગ્ય રીતે સ્પર્શ કરી અડપલાં શરૂ કર્યા હતા

MailVadodara.com - A-middle-aged-man-molested-a-minor-girl-in-a-Sarangpur-Valsad-bus-she-protested-and-informed-her-family-who-took-help-from-Abhayam

- વડોદરા સેન્ટ્રલ ડેપોમાં બસ પહોંચી ત્યારે અભયમની ટીમે આધેડની પૂછપરછ કરતા "ઊંઘમાં ભૂલથી સ્પર્શ થઈ ગયો" હોવાનું કહી બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો

- સગીરાનો વિરોધ છતાં આધેડે બે-ત્રણ વખત હરકત કર્યાનો મુસાફરોએ ખુલાસો કર્યો

- પરિવાર વેકેશન માણવા સગાંના ઘરે જઈ રહ્યો હોવાથી તેમણે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું

વેકેશન દરમિયાન પરિવાર સાથે મુસાફરી કરી રહેલી એક સગીરા સાથે એસ.ટી. બસમાં છેડતીની ઘટના સામે આવી છે. સારંગપુરથી વલસાડ જતી બસમાં બાજુમાં બેઠેલા એક આધેડ વયના વ્યક્તિએ સગીરા સાથે શારીરિક અડપલાં કર્યા હતા. જોકે, સગીરાએ હિંમતપૂર્વક વિરોધ કરી પરિવારને જાણ કરતા મામલો ગરમાયો હતો અને અંતે 'અભયમ' હેલ્પલાઇનની મદદ લેવામાં આવી હતી.

વટામણ નજીક આધેડે કરી નાપાક હરકત

પ્રાપ્ત વિગતો અનુસાર, એક પરિવાર બસમાં મુસાફરી કરી રહ્યો હતો, જેમાં સગીરા પરિવારના અન્ય સભ્યોથી અલગ એક આધેડ વ્યક્તિની બાજુની સીટ પર બેઠી હતી. બસ જ્યારે વટામણ નજીક પહોંચી ત્યારે આ આધેડે સગીરાને અયોગ્ય રીતે સ્પર્શ કરી અડપલાં શરૂ કર્યા હતા. સગીરાએ ડરવાને બદલે તાત્કાલિક બૂમાબૂમ કરી વિરોધ નોંધાવ્યો હતો અને પરિવારને સમગ્ર હકીકત જણાવી હતી.

ઘટનાની જાણ થતા જ પરિવારજનોએ 181 'અભયમ' મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. બસ જ્યારે વડોદરા સેન્ટ્રલ ડેપો પહોંચી ત્યારે અભયમની ટીમ ત્યાં હાજર હતી. ટીમે આધેડની પૂછપરછ કરતા તેણે શરૂઆતમાં "ઊંઘમાં ભૂલથી સ્પર્શ થઈ ગયો" હોવાનું કહી બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બસના અન્ય મુસાફરોએ પુષ્ટિ આપી હતી કે સગીરાના વિરોધ છતાં આધેડે બે-ત્રણ વખત આવી હરકત કરી હતી.

અભયમ્ ટીમે આધેડને કાયદાનું ભાન કરાવી કડક શબ્દોમાં સમજાવ્યું હતું કે, મહિલાઓ કે સગીરાઓ સાથે આવી હરકત કરવી એ ગંભીર ગુનો છે. પરિવાર વેકેશન માણવા સગાંના ઘરે જઈ રહ્યો હોવાથી તેમણે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. અંતે આધેડે સગીરા અને તેના પરિવારની જાહેરમાં માફી માંગી હતી અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવા લેખિત ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

Share :

Leave a Comments