- વડસર સ્થિત કાંસા રેસીડેન્સી નજીક ગત મોડી રાત્રે આશરે 1 વાગ્યાના સમયે અંદાજે 4થી 5 ફૂટ લાંબું મગરનું બચ્ચું આવી ચઢતા સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી વનવિભાગે સોંપવામાં આવ્યું
વડોદરામાં વરસાદી માહોલ વચ્ચે મગરો નદીઓમાંથી બહાર આવી રહ્યા છે, ત્યારે બે અલગ-અલગ વિસ્તારોમાં મગર દેખાવાની ઘટનાઓ સામે આવી છે. જામ્બુવા ગામ તરફ જતા બ્રિજ પર મહાકાય મગર રોડ પર આવી જતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જ્યારે વડસર નજીક કાંસા રેસીડેન્સી વિસ્તારમાં પહોંચેલા મગરના બચ્ચાનું સંસ્થા સ્વયંસેવકો દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને વન વિભાગને સોંપવામાં આવ્યું હતું.
વડોદરાના જામ્બુવા ગામ તરફ જતા બ્રિજ પર આજે સવારે મહાકાય મગર રોડ પર આવી જતાં આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થઈ ગયા હતા, જ્યારે રોડ પરથી પસાર થતા વાહનચાલકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. જોકે થોડા સમય બાદ મગર જામ્બુવા નદીમાં જતો રહ્યો હતો, જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


બીજી તરફ, ગત મોડી રાત્રે આશરે 1 વાગ્યાના સમયે વડસર પાસે આવેલી કાંસા રેસીડેન્સી નજીક અંદાજે 4થી 5 ફૂટ લાંબું મગરનું બચ્ચું દેખાયું હતું. ઘટનાની જાણ શ્રી સાંઈ દ્વારકા માઈ ચેરીટેબલ ટ્રસ્ટના જયેશભાઈને કરવામાં આવી હતી. માહિતી મળતા તેઓ પોતાની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને મગરના બચ્ચાનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ ઘટનાની જાણ વન વિભાગના આરએફઓને કરવામાં આવી હતી અને રેસ્ક્યુ કરાયેલા મગરના બચ્ચાને વન વિભાગને સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.


