લોકલ બસમાં મુસાફરી કરતી મહિલાના ગળામાંથી ગઠિયાએ બે તોલા સોનાનું મંગળસૂત્ર સરકાવી લીધું

દંતેશ્વર વિસ્તારમાં રહેતા પંકજ નરેન્દ્રભાઈ ભાવસારે નવાપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - A-man-with-arthritis-slipped-a-two-tola-gold-mangalsutra-from-the-neck-of-a-woman-traveling-in-a-local-bus

- કીર્તિસ્તંભ બસ સ્ટેન્ડ પરથી જંબુસર જતી લોકલ બસ લાલબાગ નજીક પહોંચી ત્યારે મહિલાને ગળામાં પહેરેલું અંદાજે 1.73 લાખનું સોનાનું મંગળસૂત્ર ગાયબ હોવાની જાણ થઇ

વડોદરાના કીર્તિસ્તંભ બસ સ્ટેન્ડ પરથી જંબુસર જતી લોકલ બસમાં મુસાફરી કરતી એક મહિલાના ગળામાંથી ગઠિયાએ બે તોલાનું સોનાનું મંગળસૂત્ર સરકાવી લીધું હતું. લાલબાગ બ્રિજ પાસે બસ પહોંચતા મહિલાએ ગળામાં હાથ નાખતા ચેન જોવા મળી ન હતી. જેથી દંતેશ્વર વિસ્તારમાં રહેતા પંકજ નરેન્દ્રભાઈ ભાવસારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, પંકજ ભાવસાર પોતાની પત્ની મોહિનીબેન તા.17 મેના રોજ સવારે જંબુસર ખાતે જવા માટે નીકળ્યા હતા. તેઓએ પોતાની જ્યુપિટર સ્કૂટર કીર્તિસ્તંભ પાસે પાર્ક કરી લોકલ બસમાં બેઠા હતા. બસ લાલબાગ વિસ્તારમાં શ્રીકાશી વિશ્વનાથ મંદિર નજીક પહોંચી ત્યારે મોહિનીબેને ગળામાં પહેરેલું મંગળસૂત્ર ગાયબ હતું.

મોહિનીબેને તુરંત જ બસમાં બેઠેલા મુસાફરોની પૂછપરછ કરી હતી તેમજ બેગ અને સામાનમાં તપાસ હાથ ધરી હતી, પરંતુ મંગળસૂત્રનો કોઈ પત્તો લાગ્યો નહોતો. ત્યારબાદ તેઓ અવધૂત ફાટક પાસે બસમાંથી ઉતરી રિક્ષા મારફતે ફરી કીર્તિસ્તંભ બસ સ્ટેન્ડ પહોંચ્યા હતા અને આસપાસ પણ તપાસ કરી હતી. ઘટનાની જાણ પોલીસ કંટ્રોલ રૂમમાં કરવામાં આવતા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે માહિતી મેળવી હતી. અંદાજે રૂપિયા 1.73 લાખ કિંમતનું સોનાનું મંગળસૂત્ર ચોરી ગયાની ફરિયાદના આધારે નવાપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે અને સીસીટીવી ફૂટેજ ચકાસવાની કાર્યવાહી શરૂ કરી છે.

Share :

Leave a Comments