- પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની 149 પેટીઓ કિંમત 12,85,920, વાહન, રોકડ રકમ અને મોબાઇલ ફોન મળી કુલ 27,99,730 નો મુદ્દામાલ કબ્જે કર્યો, ૩ આરોપીઓ વોન્ટેડ જાહેર

વડોદરા ગ્રામ્યના નંદેસરી પોલીસ મથકની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે વધુ એક વખત ઓચિંતો દરોડો પાડી સ્થાનિક પોલીસની ઊંઘ ઉડાડી દીધી છે. SMC ની ટીમે બાતમીના આધારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે નજીકથી 12.85 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સ્થળ પરથી એક આરોપીની ધરપકડ કરી વાહન સહિત કુલ 27.99 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે આ ગેરકાયદે કન્સાઇનમેન્ટ મોકલનાર અને મંગાવનાર સહિત ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા છે.
![]()
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ એમ.એસ. ત્રિવેદી અને તેમની ટીમને મળેલી સચોટ બાતમીના આધારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પરથી વાસદ તરફ જતા માર્ગ પર આવેલા ટોલનાકા નજીક ગ્રાન્ડ નીલગીરી હોટલ સામે જાહેરમાં ફિલ્મી ઢબે વોચ ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ વાહનને આંતરી તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની 149 પેટીઓ (કુલ 7,152 બોટલો) કિંમત 12,85,920 નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ, વાહન, રોકડ રકમ અને મોબાઇલ ફોન મળી કુલ 27,99,730 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

દરોડા દરમિયાન પોલીસે વાહન ચલાવી રહેલા કાસીદ મહોંમદ રફીક બલોચ (મકરાણી) (રહે. હાજીપીર ચોક, મદીના મસ્જિદ પાસે, લાલખાણ, જામનગર) ને ઝડપી લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં અન્ય સાગરીતોના નામ ખુલતાં જામનગરના આસીફ કાસમભાઈ જોખિયા તેમજ દારૂનો જથ્થો મોકલનાર અને વડોદરા પંથકમાં ડિલિવરી લેનાર સહિત 3 આરોપીઓને ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ સમગ્ર નેટવર્ક અંગે નંદેસરી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બૂટલેગરો બેફામ બન્યા હોવાના પુરાવા સ્ટેટ મોનિટરિંગ સેલની સતત કાર્યવાહીથી સામે આવી રહ્યા છે. અગાઉ માર્ચ 2026 માં પણ SMC ની ટીમે નંદેસરી જીઆઈડીસી પાસેના ખુલ્લા પ્લોટમાં મોટો દરોડો પાડી 43 લાખનો વિદેશી દારૂ ઝડપી 6 આરોપીઓને જેલભેગા કર્યા હતા. વારંવાર ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ આવીને મોટા પાયે દારૂ પકડતી હોવાથી સ્થાનિક પોલીસની રહેમનજર કે નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.


