- ઘટનાની જાણ થતાં પાલિકા તરફથી સ્થળ પર ટીમ મોકલવામાં આવી હતી અને માર્ગ બંધ કરી સમારકામ શરૂ કરાયું, લોકોની માંગ જ્યાં ભૂવા પડવાના છે ત્યા અંડરગ્રાઉન્ડ તપાસ કરો
શહેરમાં ચોમાસા પહેલાં જ ભુવા પડવાની શરુઆત થઇ ગઇ છે. આજ દિન સુધીમાં 25 જેટલા ભુવા પડી ગયા છે, જેમાં આજે વધુ એક ભુવો કારેલીબાગ વિસ્તારમાં દીપિકા ગાર્ડનના મુખ્ય માર્ગ પર પડ્યો હતો. મોટો ભુવો પડતા વાહન વ્યવહાર ઉપર અસર પડી હતી.
હલકી ગુણવત્તાના બની રહેલા રોડના કારણે ભુવાઓ પડી રહ્યા છે. ચોમાસા પહેલાં જ ભુવા પડવાની શરુઆત થતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે ત્યારે આગામી દિવસોમાં શરૂ થનાર ચોમાસામાં શહેરની હાલત કેવી થશે? તે એક સવાલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ અકોટા, માંજલપુર અને અન્ય વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓ નોંધાઇ ચૂકી છે. જમીન નીચેના ભાગમાં યોગ્ય પૂરાણ ન ભરાતા અથવા પાણી ચૂસાઇ જતાં જમીન ખાલી થઈ જાય છે અને આવો ભૂવો ઉભો થાય છે. આ ઘટનાની જાણકારી મળતાં પાલિકા તરફથી સ્થળ પર ટીમ મોકલવામાં આવી હતી અને માર્ગ બંધ કરી સમારકામ શરૂ કરાયું છે.
સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે, દર વર્ષે ચોમાસાની નજીક આવતાં આવી સમસ્યા ઉભી થાય છે. પાલિકા કામગીરી પૂરતી તપાસ કર્યા વગર તત્કાલ કામ પૂરુ કરે છે અને થોડા સમયમાં ફરી સમસ્યા ઉભી થાય છે. શહેરના લોકોની માંગ છે કે, ચોમાસા પહેલા પૂરતા સમારકામ કરવામાં આવે અને જ્યાં ભૂવા પડવાના લક્ષણો હોય ત્યાં અંડરગ્રાઉન્ડ તપાસ થાય, જેથી આવા અકસ્માતો ટાળી શકાય.