ગોલ્ડન ચોકડી પાસે વહેલી સવારે ટાયરના ગોડાઉનમાં આગ લાગતા મોટો જથ્થો બળીને ખાખ, કોઇ જાનહાનિ નહીં

ટાયરના ગોડાઉનમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા

MailVadodara.com - A-large-quantity-of-tires-was-gutted-in-a-fire-at-a-tire-godown-near-Golden-Chowk-early-this-morning-no-casualties-reported

- શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો

વડોદરા શહેર નજીક આવેલી ગોલ્ડન ચોકડી પાસે સુગમ હોટલની બાજુમાં એક ટાયરના ગોડાઉનમાં વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ટાયરનો જથ્થો હોવાને કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. બનાવ અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક જાણ કરવામાં આવતા જ ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.

પ્રાથમિક તપાસ અને મળતી માહિતી અનુસાર, આ ઘટના વહેલી સવારે બની હતી અને આગ લાગવાનું પ્રાથમિક તારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગ લાગવાની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડના લાશ્કરોએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ટાયર જેવા જ્વલનશીલ પદાર્થો હોવાના કારણે આગ પર કાબૂ મેળવવામાં ભારે પડકારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ફાયર બ્રિગેડના જવાનોએ સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.

આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની કે ઈજા થઈ ન હોવાથી તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. ઘટનાની જાણ થતાં જ હરણી પોલીસ મથકનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી વાહનવ્યવહાર સુચારુ કરાવ્યો હતો. તેમજ આ ઘટના અંગે કાયદેસરની તપાસ હાથ ધરી છે. આગના કારણે ગોડાઉનમાં રાખવામાં આવેલા ટાયરનો મોટો જથ્થો બળીને ખાખ થઈ જતાં મોટું આર્થિક નુકસાન થયું હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે. હાલ પોલીસે બનાવ સંદર્ભે આગળની કાયદેસરની કાર્યવાહી અને આગનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments