- આઈટીઆઈ, ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે, 18થી 40 વર્ષ વયસમૂહના તમામ પુરુષ-મહિલા ઉમેદવારો માટે આ ભરતી મેળો છે
વડોદરા જિલ્લાના રોજગાર ઈચ્છુક યુવા-યુવતીઓને અને નોકરિયાત તકો શોધી રહેલા ઉમેદવારોને વધુ રોજગાર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે મદદનીશ નિયામક રોજગાર કચેરી, તરસાલી વડોદરા દ્વારા તા.12 ડિસેમ્બરના રોજ રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો સવારે 10.30 કલાકે મદદનીશ નિયામક રોજગારની કચેરી, પહેલો માળ, આઈ.ટી.સી બિલ્ડીંગ, આઈ.ટી.આઈ. કેમ્પસ, તરસાલી, વડોદરા ખાતે યોજાશે.
આ ભરતી મેળામાં ટેકનીશન, એન્જીનીયર, પ્રોડક્શન ઓપરેટર, ઓફિસ વર્ક, સેલ્સ કોર્ડિનેટર, એકાઉન્ટન્ટ, ટીચર સહિત 173થી વધુ જગ્યાઓ માટે સર્વિસ સેક્ટર તેમજ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની વિખ્યાત કંપનીઓના પ્રતિનિધિઓ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેશે. આઈટીઆઈ, ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે. જેઓને શિક્ષણ ક્ષેત્રમાં રસ હોય તથા બી.એ. અથવા બી.એડ. જેવા અભ્યાસક્રમ પૂર્ણ કરેલા ઉમેદવારો માટે પણ આસિસ્ટન્ટ ટીચર અને ટીચર પદોની ઇન્ટરવ્યુ માટે વડોદરાની ખ્યાતનામ શિક્ષણ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહેશે. લાયકાત ધરાવતા અઢારથી ચાલીસ વર્ષ વયસમૂહના તમામ પુરુષ અને મહિલા ઉમેદવારો માટે આ ભરતી મેળો છે.
આ ભરતી મેળામાં ઉમેદવારો તથા નોકરીદાતાઓને પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના, ઓવરસીઝ રોજગાર તકો, તેમજ સ્વરોજગારલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન અને માહિતી આપવામાં આવશે. રસ ધરાવતા તમામ ઉમેદવારોને પોતાના બાયોડેટા/રેઝ્યુમનો 5 કોપી સાથે સ્વખર્ચે ભરતી મેળાના સ્થળે સમયસર હાજર રહેવાનું રહેશે. ભરતી મેળાનું આયોજન અને પસંદગી પ્રક્રિયા દરમિયાન ઉમેદવાર કે નોકરીદાતાએ કોઈ પણ પ્રકારની ફી કે ચાર્જ ચૂકવવાનો નથી, તેમ જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.


