ATM કાર્ડ બદલી લોકોને ઠગાનાર રીઢો આરોપી ઝડપાયો, વિવિધ શહેરના 12 કેસનો ભેદ ઉકેલાયો

આરોપી પીડિત એટીએમમાંથી બહાર નીકળે કે તરત જ અસલ કાર્ડથી પૈસા ઉપાડી લેતો હતો

MailVadodara.com - A-habitual-accused-who-cheated-people-by-changing-ATM-cards-was-caught-12-cases-from-different-cities-were-solved

- ATMનો ઉપયોગ કરવામાં મૂંઝવણ અનુભવતા નાગરિકોને મદદ કરું એવું કહી પીન નંબર જાણી અસલ કાર્ડની જગ્યાએ પોતાનું ડમી કાર્ડ આપી દેતો હતો, આરોપી સામે કુલ 39 ગુના

એટીએમમાં પૈસા કાઢવા આવતા નાગરિકોને મદદ કરવાના બહાને કાર્ડ બદલી નાખી લાખો રૂપિયા પડાવી લેનાર રીઢા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આ આરોપીએ વડોદરા ઉપરાંત ભરૂચ, ડાકોર અને સુરતમાં પણ આવી જ રીતે ઠગાઈ અને ચોરી આચર્યા હતા. આરોપી પકડાતા 12 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે.


આરોપીની પૂછપરછમાં ખુલ્યું કે, તે ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને એટીએમનો ઉપયોગ કરવામાં મૂંઝવણ અનુભવતા નાગરિકોને ટાર્ગેટ કરતો હતો. પૈસા કાઢવામાં મદદ કરું એવું કહીને પીન નંબર જાણી લેતો અને હાથચાલાકીથી અસલ કાર્ડની જગ્યાએ પોતાનું ડમી કાર્ડ આપી દેતો હતો. પછી પીડિત એટીએમમાંથી બહાર નીકળે કે તરત જ અસલ કાર્ડથી પૈસા ઉપાડી લેતો હતો.

શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશના 5 , ભરૂચના 2, ડાકોર પોલીસ સ્ટેશનના એક ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતાં તે 2014થી સતત આવા ગુનાઓમાં સંડોવાયેલો છે. તેની સામે વડોદરા, આણંદ, ભરૂચ, સુરત, નડીયાદ તથા મહારાષ્ટ્રના પોલીસ સ્ટેશનોમાં IPC 406, 420, 379 તેમજ BNSની જુદી-જુદી કલમો હેઠળ 39થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. આરોપી તુષાર અનીલભાઈ કોઠારી (ઉં.વ.36), રહે. ભાયલાલ દાદાની ચાલી, ચરોતર બેંક પાસે, આણંદ, મૂળ રહે. હાથીપોળ, રાજમહેલ રોડ, વડોદરા) છે. તેની પાસેથી 10 એટીએમ કાર્ડ તથા એક ઓપ્પો મોબાઇલ ફોન મળી આવ્યા હતા.

Share :

Leave a Comments