- ઠગાઈના ગુનાઓમાં સંડોવાયેલો આરોપી મનિષ પટેલ સામે વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અત્યાર સુધીમાં 18 જેટલા ઠગાઈના ગુનાઓ નોંધાયેલા છે
વડોદરામાં ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ નામની સાઇટ ચલાવી દુકાન, શો રૂમ અને ઓફિસ બનાવી આપવાના નામે કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર આરોપીની વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પરથી ધરપકડ કરી છે. આરોપીએ દુકાનોનું બાંધકામ કરી આપવાના બહાને અનેક નાગરિકો પાસેથી કરોડો રૂપિયા લીધા બાદ બાંધકામ પૂર્ણ ન કર્યું અને પઝેશન આપ્યું નહોતું. આ ઉપરાંત લીધેલી રકમ પરત પણ ન કરી નહોતી, જેથી આરોપી સામે ઠગાઈના વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનાઓ નોંધાયા હતાં.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચને ગુપ્ત માહિતી મળી હતી કે, આરોપી અમદાવાદથી એક્સપ્રેસ હાઇવે રોડ મારફતે કારમાં વડોદરા તરફ આવી રહ્યો છે. માહિતીના આધારે એક્સપ્રેસ હાઇવે પર વોચ રાખવામાં આવી હતી અને કારને રોકી તપાસ કરતાં ગોરવા તથા બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઈના ગુનાઓમાં સંડોવાયેલો આરોપી મનિષ મહેન્દ્રભાઈ પટેલ (ઉં.વ. 49, રહે. સિલ્વરપાર્ક, કરોડીયા રોડ તથા સાઇન પ્લાઝા, નટુભાઈ સર્કલ, રેસકોર્સ, વડોદરા) મળી આવ્યો હતો. આરોપીને ગોરવા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આરોપી મનિષ પટેલ સામે વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અત્યાર સુધીમાં 18 જેટલા ઠગાઈના ગુનાઓ નોંધાયેલા છે. આરોપીએ 'ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ' પ્રોજેક્ટમાં દુકાન આપવાના બહાને એક ફરિયાદી પાસેથી 23.49 લાખ રૂપિયા, બીજા ફરિયાદી પાસેથી 6.15 લાખ રૂપિયા અને ત્રીજા ફરિયાદી પાસેથી 50 લાખ રૂપિયા પડાવ્યાં હતાં. બાંધકામ પૂર્ણ ન કર્યું અને પઝેશન આપ્યું નહોતું અને રકમ પરત કરવાની પણ ના પાડી દીધી હતી, જેના કારણે આ ત્રણેય ગુના નોંધાયા હતા.


