- છોટાઉદેપુરના વતની ગોવિંદભાઈ રાઠવા પરિવાર સાથે રહીને ચણતર કામ કરી રહ્યા હતા
- શનિવારે અચાનક વાંદરાઓના ટોળાએ બિલ્ડિંગના 5માં માળની પેરાફીટ પર કૂદકા મારવાનું શરૂ કરતાં ત્યાં ગોઠવેલા સિમેન્ટના બ્લોક નીચે રમતી ૩ વર્ષની બાળકી પર પડ્યા હતા
વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક નિર્માણાધીન બિલ્ડિંગ પર ચાલતી કામગીરી દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં એક માસૂમ બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બિલ્ડિંગના ઉપરના માળે વાંદરાઓએ કૂદકા મારતાં પેરાફીટ (અગાસીની દીવાલ) પર લગાવવામાં આવેલા સિમેન્ટના ભારે બ્લોક અચાનક નીચે પડ્યા હતા. આ બ્લોક નીચે રમી રહેલી શ્રમજીવી પરિવારની બાળકી પર પડતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને બાદમાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે શ્રમજીવી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. આ મામલે વાડી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, વડોદરાના બરાનપુરા વિસ્તારમાં આવેલી ભારતી સ્કૂલ પાસે એક બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. અહીં મૂળ છોટાઉદેપુરના વતની ગોવિંદભાઈ રાઠવા પરિવાર સાથે રહીને ચણતર કામ કરી રહ્યા હતા. શનિવારે કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક વાંદરાઓનું એક ટોળું ત્યાં આવી ચડ્યું હતું. વાંદરાઓએ બિલ્ડિંગના 5માં માળની પેરાફીટ પર કૂદકા મારવાનું શરૂ કરતાં ત્યાં ગોઠવેલા સિમેન્ટના બ્લોક બેલેન્સ ગુમાવીને સીધા નીચે પડ્યા હતા.
આ સિમેન્ટના ભારે બ્લોક નીચે જ રમી રહેલી ગોવિંદભાઈની 3 વર્ષની દીકરી ધ્રુવી પર પડ્યા હતા, જેના કારણે બાળકી લોહીલુહાણ થઈ ગઈ હતી અને તેને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. દુર્ઘટના સર્જાતાં જ આસપાસ કામ કરી રહેલા અન્ય શ્રમજીવીઓ અને કારીગરો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા.
પરિવારજનો દ્વારા તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચતા જ ઈજાગ્રસ્ત ધ્રુવીને તાત્કાલિક શહેરની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જ આ માસૂમ બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું. વાડી પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને કન્સ્ટ્રક્શન સાઇટ પર સુરક્ષાના સાધનો અને નિયમોનું પાલન થતું હતું કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે.


