- બનાવ અંગે પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી હતી જો કે આ યુવતીને બહાર કાઢવી શક્ય ન મહિલા પોલીસ કર્મીએ ફાયર બ્રિગેડ પહોંચે ત્યાં સુધી યુવતીને વાતોમાં રોકી રાખી હતી
- મહિલા પોલીસ કર્મી નીતાબેને યુવતીને હિંમત આપી પાણી પીવડાવ્યું ને કહ્યું કે, તું શાંત થઈ જા હું તારી બહેન જેવી છું ને, હું આવી ગઈ છું તારે કોઈનાથી ડરવાની જરૂર નથી

વડોદરા શહેરના ફતેગંજ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ છાણી કેનાલમાં ગત સમી સાંજે એક યુવતીએ કેનાલમાં છલાંગ લગાવવાની તૈયારી હતી તે દરમ્યાન પોલીસને કોલ મળતા જ તાત્કાલિક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. યુવતીને વાતોમાં રાખી ફાયર વિભાગને જાણ કરી હતી. દરમ્યાન યુવતીએ છલાંગ લગાવતા ફાયરે તાત્કાલિક ઘટનાસ્થળે રેસ્ક્યુ કરી ગણતરીની સેકન્ડમાં બહાર કાઢી લીધી હતી. આ યુવતીનો જીવ બચાવવા માટે પોલીસ અને ફાયરની સંયુક્ત કામગીરીની ચારેકોર ચર્ચા થઈ રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટનામાં આ યુવતી મૂળ આણંદની વતની છે અને વડોદરામાં ખાનગી નોકરી કરે છે. આ આત્મહત્યા કરવાના પ્રયાસ પાછળ મૂળ સગાઈ તૂટી હોવાનું જાણવા મળ્યું છે. આ યુવતી છાણી કેનાલ પાસે નીચે કિનારે ઊભી હતી અને છલાંગ લગાવે તે પહેલા સ્થાનિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ અંગે ફતેગંજ પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા નિલેશભાઈ કટારા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ નિતાબેન તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. જો કે આ યુવતીને બહાર કાઢવી શક્ય ન હતી. આ અંગે તેઓએ ટીપી 13 ફાયર વિભાગને જાણ કરી હતી.

ફાયર વિભાગ પહોંચે તે પહેલા આ યુવતી વારંવાર કેનાલમાં કૂદવાની કોશિશ કરતી હતી. પરંતુ મહિલા પોલીસ કર્મીએ વાતોમાં રાખી ફાયર વિભાગ પહોંચે ત્યાં સુધી સાચવી રાખી હતી. દરમ્યાન ફાયર વિભાગ પહોંચી રેક્યુ કરે તે દરમ્યાન કૂદવાનો પ્રયાસ કર્યો અને ફાયરે કેનાલમાં ઉતરેલ યુવતીને દિલધડક રેસ્ક્યુ કરી બચાવી લીધી હતી. આ યુવતી ગભરાયેલી હતી અને કોઈ પણ જાતની વાત કરવા માંગતી ન હતી. મહિલા પોલીસ કર્મી નીતાબેન હિંમત આપી પાણી પીવડાવ્યું ને કહ્યું કે તું શાંત થઈ જા હું તારી બહેન જેવી છું ને, હું આવી ગઈ છું તારે કોઈનાથી ડરવાની જરૂર નથી.

આ દિલધડક રેસ્ક્યુ બાદ પોલીસની સમજાવટથી યુવતીને પોલીસ મથકે લાવવામાં આવે છે. બાદમાં યુવતીનું કાઉન્સિલિંગ કરી તેને હિંમત આપવામાં આવે છે અને તેના માતા પિતાને સોંપવામાં આવે છે. સગાઈ તૂટવા જેવી સમાન્ય બાબતે યુવતીએ પોતાનું જીવન ટૂંકાવવાનું વિચાર્યું તે યોગ્ય બાબત નથી. તેવી અનેક બાબતો સમજાવવામાં આવે છે. પોલીસ અને ફાયરની સંયુક્ત કામગીરીની ચારે કોર આજે પ્રશંસા થઈ રહી છે.


