રક્ષાબંધન પર્વે શહેરના વિવિધ રૂટ પરની 145 સિટી બસમાં બહેનો અને બાળકો માટે મફત મુસાફરીની ભેટ

ભાઈને રાખડી બાંધવા જતી બહેનોને પાલિકાની નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત

MailVadodara.com - A-gift-of-free-travel-for-sisters-and-children-on-145-city-buses-across-various-routes-in-the-city-on-the-occasion-of-Raksha-Bandhan

- આખો દિવસ ટિકિટનો ખર્ચ નહીં થાય, શહેરના તમામ રૂટ પર આખો દિવસ છૂટ મળશે

- સામાન્ય પરિવારોને મુસાફરી ખર્ચમાં રાહત મળશે, આખો દિવસ આ નિયમ અમલમાં રહેશે

પવિત્ર ભાઈ-બહેનના પ્રેમ અને અતૂટ વિશ્વાસના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વને લઈને વડોદરા મહાનગર સેવા સદન દ્વારા લોકઉપયોગી અને આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. રક્ષાબંધનના દિવસે શહેરની તમામ બહેનો અને બાળકો માટે પાલિકા સંચાલિત બસોમાં મુસાફરી સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવાની જાહેરાત કરવામાં આવી છે. મહાનગરપલિકાના આ નિર્ણયથી શહેરીજનોમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને વડોદરાવાસીઓ દ્વારા તંત્રના આ અભિગમની ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે.

રક્ષાબંધન જેવા તહેવાર પર અવારનવાર બસ સ્ટેશનો અને બસોમાં ભારે ભીડભાડ જોવા મળતી હોય છે, ત્યારે પાલિકાની આ નિઃશુલ્ક બસ સેવાના કારણે બહેનોનો મુસાફરીનો અનુભવ વધુ સરળ અને આનંદદાયક બનશે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત પીએમ ઈ-બસ સેવા સહિતની અંદાજે 145 જેટલી તમામ સિટી બસોમાં આ વિશેષ છૂટછાટ લાગુ રહેશે. રક્ષાબંધનના દિવસે શહેરમાં આવતી તેમજ શહેરની અંદર જ પોતાના ભાઈને રાખડી બાંધવા માટે અવરજવર કરતી બહેનો આ સુવિધાનો લાભ મેળવી શકશે.

પાલિકા દ્વારા લેવાયેલા આ નિર્ણયથી બહેનોને ટિકિટના ખર્ચમાંથી મોટી રાહત મળશે અને તેઓ કોઈપણ આર્થિક ચિંતા વગર શહેરના કોઈપણ ખૂણે સરળતાથી પહોંચી શકશે. શહેરના વિવિધ રૂટ પર દોડતી આ તમામ 145 બસોમાં આખો દિવસ આ નિયમ અમલમાં રહેશે. મનપાના આ સંવેદનશીલ અને સરાહનીય નિર્ણયથી ખાસ કરીને મધ્યમ અને સામાન્ય પરિવારની મહિલાઓને મોટી આર્થિક રાહત મળશે, કારણ કે તહેવારની મોસમમાં મુસાફરીનો ખર્ચ વધી જતો હોય છે.

વડોદરા મહાનગર સેવા સદનના આ પગલાથી સાબિત થાય છે કે સ્થાનિક વહીવટી તંત્ર નાગરિકોની સુખાકારી માટે કટિબદ્ધ છે. અગાઉ પણ તહેવારો નિમિત્તે વિવિધ જાહેરાતો કરવામાં આવતી હોય છે, પરંતુ આ પ્રકારે તમામ સિટી બસોને મહિલાઓ અને બાળકો માટે નિઃશુલ્ક જાહેર કરવી એ એક સુંદર અને આવકારદાયક પગલું છે. તહેવારના આ પવિત્ર દિવસે વડોદરા મનપાની આ ખાસ ભેટ ખરેખર બહેનો માટે પર્વની ખુશીઓમાં અનેકગણો વધારો કરનાર સાબિત થશે.

Share :

Leave a Comments