- સયાજી હોસ્પિટલની બહાર મળેલા ગઠિયાએ ખોદકામ દરમિયાન સોનાનો હાર મળ્યો છે કહ્યું હતું
પત્નીની સારવાર માટે સયાજી હોસ્પિટલમાં આવેલા દાહોદના એક વૃધ્ધ સાથે ગઠિયાએ ત્રણ લાખમાં સોનાનો હાર આપવાના નામે દોઢ લાખની ઠગાઇ કરનાર ભેજાબાજને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે.
ઝાલોદના મુનખોસલા ખાતે રહેતા ૭૫ વર્ષીય દેવચંદભાઇ તેમના પત્નીની સારવાર માટે સયાજી હોસ્પિટલમાં આવ્યા ત્યારે ચા ની લારી પરએક ગઠિયો મળ્યો હતો અને તેણે ખોદકામ વખતે સોનાનો હાર મળ્યો છે અને ૩ લાખમાં આપવાનો છે તેમ કહ્યું હતું. ગઠિયાએ વિશ્વાસમાં લેવા માટે હારમાંથી એક મણકો આપ્યો હતો. જે તપાસ કરાવતાં અસલી સોનાનો હોવાથી વૃધ્ધે ત્રણ લાખમાં હારનો સોદો કર્યો હતો. પંડયા બ્રિજ પાસે બસમાંથી ઉતરેલા વૃધ્ધ અને તેના પૌત્રને ગઠિયો ચાલતો મહેસાણાનગર લઇ ગયો હતો અને ત્યાં દોઢ લાખ લઇ નકલી સોનાનો હાર આપી દીધો હતો. જ્યારે બીજા રૂપિયા થોડા સમયમાં આપી દેજો તેમ તેણે કહ્યું હતું.પરંતુ ત્યારપછી હારની તપાસ કરતાં તે નકલી જણાઇ આવ્યો હતો.જેથી પોલીસ ફરિયાદ કરી હતી.
સમગ્ર બનાવમાં મોબાઇલ પર વાત કરતા ગઠિયાએ પોતાનું નામ અને સરનામું છુપાવી રાખ્યું હતું. પરંતુ ક્રાઇમ બ્રાન્ચે તેને મોબાઇલ સર્વેલન્સ પરથી અજબડી મિલ પાસેથી દબોચી લીધો હતો. પૂછપરછમાં ગઠિયાનું નામ રવિ ધુળાભાઇ મારવાડી (રહે. મારવાડી મહોલ્લો,બજરંગ સો મિલ પાસે, સમા વેમાલી રોડ) હોવાનું ખૂલ્યું હતું. તેની પાસેથી રોકડા રૂપિયા ૨૫,૫૦૦ અને મોબાઇલ કબજે લીધા હતા.


