દેણા ગામના ભરવાડ વાસમાં તબેલામાં ઘૂસેલા પાંચ ફૂટના મગરનું એક કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કરાયું

મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો

MailVadodara.com - A-five-foot-long-crocodile-that-had-entered-a-cattle-shed-in-the-Bharwad-settlement-of-Dena-village-was-rescued-after-an-hour-long-effort

- વિશાલ ભરવાડના તબેલામાં રાત્રે નવ વાગ્યે મગર આવી પહોંચ્યો હતો

- તબેલામાં ઘૂસેલા મગરને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટે વન વિભાગની મદદથી પકડ્યો


વડોદરા નજીક દેણા ગામના ભરવાડ વાસમાં ગુરુવારે રાત્રે ગાય-ભેંસના તબેલામાં પાંચ ફૂટનો મગર ઘૂસી આવ્યો હતો. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે વન વિભાગના અધિકારી સાથે સ્થળ પર પહોંચી એક કલાકની જહેમત બાદ મગરનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું. જે બાદ મગરને વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.


ગત મોડી રાત્રે આશરે 9 વાગ્યાના સુમારે દેણા ગામના ભરવાડ વાસમાં રહેતા વિશાલ ભરવાડના ગાય-ભેંસના તબેલામાં મગર આવી ચડ્યો હતો. આ અંગે વિશાલ ભરવાડે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારને ફોન કરીને જાણ કરી હતી. કોલ મળતાં જ હાર્દિક પવાર અને ઈશ્વર ચાવડા તેમજ વન વિભાગના અધિકારી જિગ્નેશ પરમાર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.


ટીમે સંયુક્ત રીતે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. આશરે એક કલાકની જહેમત બાદ પાંચ ફૂટ લાંબા મગરને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યો હતો. મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા બાદ તેને વધુ કાર્યવાહી માટે વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. આ કામગીરીને પગલે તબેલામાં રહેલાં પશુઓ અને આસપાસના લોકો માટે ઊભું થયેલું જોખમ ટળ્યું હતું. જેથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Share :

Leave a Comments