- ફાયરની ટીમે અંદાજે એક કલાક સુધી સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત ઉપાડ્યા બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી
- આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ચોરભુજ ગામે ગત સાંજે ઘરમાં આગનો બનાવ સામે આવ્યો હતો. આગ એક ઘરમાં લાગી હતી, જે બાદ આસપાસના અન્ય બે ઘરમાં પ્રસરતા ભારે દોડધામ મચી જવા પામી હતી. આ અંગેનો કોલ મળતા વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી એક કલાકની ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો.

કરજણના ચોરભુજ ગામમાં એક ઘરમાં ગત સાંજે અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ ઝડપથી ભડકી ઉઠતાં તેનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આજુબાજુમાં આવેલા બીજા બે ઘરોમાં પણ આગ ફેલાઈ ગઈ હોવાની જાણ થતાં સ્થિતિ ગંભીર બની હતી. ઘટનાની તાત્કાલિક જાણ થતાં કરજણ ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનું કાર્ય શરૂ કર્યું હતું. ફાયરની ટીમે અંદાજે એક કલાક સુધી સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત ઉપાડ્યા બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી.
સદભાગ્યે આ ભીષણ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે ત્રણેય ઘરોમાં રહેલી ઘરવખરી સળગીને ખાખ થઈ ગઈ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ ફાયર વિભાગના જણાવ્યા અનુસાર આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


