- રસ્તાની વચ્ચેથી મગર પસાર થતાં વાહનચાલકોએ વાહનો રોક્યા, આગળ જતા રાહતનો શ્વાસ લીધો
વડોદરાના હરણીથી પીલોલને જોડતા રોડ પર ગત મોડી રાત્રે એક મગર રસ્તા પર લટાર મારતો જોવા મળતાં વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અચાનક રોડની વચ્ચે મગર આવી ચડતાં કેટલાક વાહનચાલકોએ પોતાના વાહનો થોભાવી દીધા હતા. દરમિયાન એક વાહનચાલકે હેડલાઈટના અજવાળામાં મગરનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો.

હરણી-પીલોલ રોડ પર રાત્રિના સમયે વન્યજીવોની અવરજવર જોવા મળતી રહે છે. અગાઉ પણ આ વિસ્તારમાં મગરો જાહેર માર્ગ પર આવી ચડ્યા હોવાના બનાવો સામે આવ્યા છે. ગત મોડી રાત્રે પણ એક મોટો મગર રોડ ક્રોસ કરી રહ્યો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક વાહનચાલકની નજર મગર પર પડતાં તેણે તાત્કાલિક વાહન થોભાવી દીધું હતું. ત્યારબાદ વાહનની હેડલાઈટના અજવાળામાં મગરનો વીડિયો મોબાઈલમાં ઉતારી લીધો હતો. વીડિયોમાં મગર ધીમે-ધીમે રસ્તા પર આગળ વધતો સ્પષ્ટ જોવા મળ્યો હતો.
મગર રોડ પરથી પસાર થઈને આગળ જતો રહ્યો ત્યારબાદ વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને પોતાના વાહનો આગળ હંકાર્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ચોમાસાની સિઝનમાં આ વિસ્તારમાં મગરો વારંવાર બહાર નીકળી આવતા હોય છે, જેના કારણે ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકોમાં ભયનો માહોલ રહે છે.


