યુકે મોકલવાના નામે કારેલીબાગમાં વિઝા કન્સલ્ટિંગનું કામ કરતા દંપતીએ યુવક પાસેથી 10 લાખ પડાવ્યા!!

સમા વિસ્તારની રાંદલધામ સોસાયટીમાં રહેતા ભાવેશ પારેખે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી

MailVadodara.com - A-couple-working-as-a-visa-consulting-in-Karelibagh-extorted-10-lakhs-from-a-young-man-in-the-name-of-sending-him-to-the-UK

- લાંબા સમય સુધી કામ ન થતાં યુવકે તપાસ કરી તો જાણવા મળ્યું કે, દંપતીએ તેમની ઓફિસ બંધ કરી પત્નીના નામે અમિતનગર બ્રિજ પાસે ફાસ્ટ ફૂડનો ધંધો શરૂ કરી દીધો હતો

વિદેશ મોકલવાના બહાને છેતરપિંડીનો વધુ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. કારેલીબાગ વિસ્તારમાં વિઝા કન્સલ્ટિંગનું કામ કરતા એક દંપતીએ યુકે મોકલવાના નામે એક યુવક પાસેથી 10 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

સમા વિસ્તારની રાંદલધામ સોસાયટીમાં રહેતા ભાવેશ પારેખે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ભાવેશ પારેખ નામના યુવકે પોલીસને જણાવ્યું કે, ડિસેમ્બર 2022માં યુકેની વર્ક પરમિટ મેળવીને ત્યાં જવા માટે તેમણે આણંદના રહેવાસી હાર્દિક ભરતભાઈ સોની અને તેની પત્ની શ્રેયા દિનેશભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. આ દંપતી વડોદરાના વીઆઈપી વ્યુ કોમ્પ્લેક્સમાં સાદરી ઈમિગ્રેશન નામે કન્સલ્ટિંગ ઓફિસ ચલાવતું હતું.

ભાવેશ પારેખના જણાવ્યા મુજબ, દંપતીએ શરૂઆતમાં યુકે જવા માટે રૂપિયા 15 થી 18 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. ભાવેશે પોતાના માતાના પેન્શનમાંથી લોન કરાવી અને ટુકડે ટુકડે પૈસા ભર્યા હતા. આટલું જ નહીં, આરોપી હાર્દિક સોનીએ ભાવેશની પત્નીના દાગીના પર પણ લોન કરાવી આપી હતી, આમ કુલ  રૂપિયા 10 લાખ જેટલી રકમ આપી હતી. જોકે, લાંબા સમય સુધી કામ ન થતાં ભાવેશે તપાસ કરી તો જાણવા મળ્યું કે, દંપતીએ તેમની ઓફિસ બંધ કરી દીધી હતી અને પત્ની શ્રેયાના નામે અમિત નગર બ્રિજ પાસે ફાસ્ટ ફૂડનો ધંધો શરૂ કરી દીધો હતો. 

ભાવેશે પોલીસને જણાવ્યું કે, હાર્દિક તેને એકવાર અમદાવાદ લઈ ગયો હતો અને ઇન્ટરવ્યૂ પણ અપાવ્યો હતો, પરંતુ ત્યાર બાદ તેને ગોળ ગોળ જવાબ મળતા હતા અને  10 લાખ રૂપિયા પરત મળ્યા ન હતા. આખરે છેતરાયાનો અહેસાસ થતાં ભાવેશે હાર્દિક ભરતભાઈ સોની અને તેની પત્ની શ્રેયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments