- 1.55 કરોડના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ, બોક્ષમાંથી 10860 દારૂના ટીન મળ્યાં, દારૂનો જથ્થો ભરી આપનાર
- દારૂનો જથ્થો મંગાવનાર સહિત અન્ય 5 ઇસમો વિરૂદ્ધ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
વડોદરા જિલ્લાના કરજણ નેશનલ હાઈવે પર સાંસરોદ ગામ નજીક એક ઢાબાના પાર્કિગમાંથી વડોદરામાં બુટલેગરને આપવા માટે ઈલેક્ટ્રિક સામાનની આડમાં સેલવાસથી લવાયેલો રૂપિયા 42.96 લાખનો દારૂનો જંગી જથ્થો સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. SMCએ રૂપિયા 1.55 કરોડના મુદ્દામાલ સાથે કન્ટેનરના ચાલકની ધરપકડ કરી હતી. આ ગુનામાં દારૂનો જથ્થો ભરી આપનાર, મંગાવનાર સહિત અન્ય મળી કુલ 5 ઇસમો વિરૂદ્ધ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે.
મળતી માહિતી પ્રમાણે, સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ભરૂચ જિલ્લામાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળેલ કે, એક આઈશર ક્ન્ટેનર જેની કેબિનનો ભાગ સફેદ, કન્ટેનરનો ભાગ ગ્રે તેમજ પાછળના પીળા કલરના દરવાજા વાળો છે. જે સેલવાસથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરીને વડોદરા તરફ નીકળેલ છે અને ભરૂચ પસાર કરી કોઈ એક ઢાબાના પાર્કિગમાં ઊભી રહેલી છે.

આ બાતમીના આધારે એસએમસીની ટીમે તપાસ કરતા, કરજણના સાંસરોદ ગામની બાજુમાં આવેલ અરસાન મેવાત ઢાબાના પાર્કિગમાં આવતાં બાતમીવાળું આઈશર કન્ટેનર પાર્ક કરેલું જોવા મળ્યું હતું. જેની નજીક જઈ જોતા કન્ટેનરનો પાછળનો ભાગ બોલ્ટ સીલથી સીલ કરેલો નજરે પડ્યો હતો. જેને કન્ટેનરના ચાલકને સાથે રાખી દરવાજો તોડી તેમાં જોતાં પ્રથમ દ્રષ્ટિએ મોટા બોક્ષ ભરેલા જોવા મળ્યા હતા.
દરમિયાન કન્ટેનરમાં ઝીણવટભરી તપાસ કરતાં તેમાં વિદેશી દારૂ ભરેલા બોક્ષ મળી આવ્યા હતાં. કન્ટેનર ચાલકનું નામ પૂછતાં મોહમદ આઝીબ ઉમર મોહમદ (રહે. ભાજલાકા તા. તાવડું જી. નૂહ મેવાત હરિયાણા)નો હોવાનું જણાવ્યું હતું. તેમજ બીજા અન્ય મળી આવેલ બોક્ષમાં ઇલેક્ટ્રીક ઈક્યૂપમેન્ટ ભરેલા હતાં. પોલીસે વિવિધ બ્રાન્ડના દારૂના ટીન કુલ નંગ 10860 જેની કુલ કિમત રૂપિયા 43,96,920નો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો.
પોલીસે વિદેશી દારૂ સહિત રૂપિયા 15 લાખનું આઇશર કન્ટેનર, મોબાઈલ ફોન, રૂપિયા 800 રોકડા તેમજ રૂપિયા 96,53,670નો ઇલેક્ટ્રીક ઈક્વીપમેન્ટ ભરેલ નાના મોટા બોક્ષ નંગ 42 મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 1,55,56,390 કબજે કરી કન્ટેનર ચાલકની અટકાયત કરી છે. જ્યારે દારૂ ભરી આપનાર, મંગાવનાર, કન્ટેનર આપનાર સહિત 5 ઇસમો વિરૂદ્ધ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આગળની તજવીજ હાથ ધરી છે.
કન્ટેનર ચાલકની વધુ પૂછતાછમાં આ વિદેશી દારૂ ભરેલું કન્ટેનર સાહૂન નામના ઈસમે ફોનથી જણાવ્યા મુજબ સેલવાસ ખાતેથી એક વ્યક્તિ આપી ગયો હતો. અને સાહુને વડોદરા એરફોર્સ બ્રીજ પાસે જઈ ફોન કરજે અને હું માણસ મોકલીશ તેને કન્ટેનર આપી દેજો. જે ઇંગ્લિશ દારૂ ખાલી કરી કન્ટેનર પાછું આપી જશે. એમ જણાવ્યું હતું. ઉપરાંત સાહુને ફોનથી કોઈ પણ હોટલ પર વાહન પાર્ક કરી દે તેમ કહેતા ચાલકે ભરૂચ પસાર કરી સાંસરોદ નજીક આવેલ ઉપરોક્ત ઢાબાના પાર્કિગમાં કન્ટેનર પાર્ક કરેલ હોવાનું જણાવ્યું હતું.


