- પોલીસે 4.35 લાખનો દારૂ, કન્ટેનર અને લાખો રૂપિયાના ઓટો પાર્ટ્સના સામાન સહિત કુલ રૂા. 48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
- 20 હજારની લાલચમાં દારૂ હેરાફેરીની ચાલકની કબૂલાત
શહેર પોલીસની એલસીબી ઝોન-3ની ટીમે પેટ્રોલિંગ દરમિયાન એક કન્ટેનરને ઝડપી પાડ્યું છે. હરિયાણાથી ઓટો પાર્ટ્સનો સામાન ભરીને સાઉથ ગોવા જઈ રહેલા એક કન્ટેનર ટ્રકમાં રાજસ્થાનથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરી વડોદરા લાવવામાં આવી રહ્યો હતો, જેને પોલીસે કપુરાઈ હાઈવે પર બ્રિજ નજીક ઝડપી પાડ્યો છે. પોલીસે 4.35 લાખનો દારૂ, કન્ટેનર અને લાખો રૂપિયાના ઓટો પાર્ટ્સના સામાન સહિત કુલ રૂ. 48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે .

કપુરાઇ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર નાઈટ પેટ્રોલિંગમાં દરમિયાન ટીમને બાતમી મળી હતી કે, હરિયાણા પાસિંગના એક કન્ટેનર ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને અમદાવાદ-સુરત નેશનલ હાઈવે 48 પર કપુરાઈ રેલ્વે બ્રિજથી તરસાલી બ્રિજ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને ધ ગ્રાન્ડ જલારામ રેસ્ટોરેન્ટ નજીક વોચ ગોઠવી હતી. બાતમીવાળી ટ્રક આવતા જ પોલીસે તેને રોકી ચાલકની પૂછપરછ કરી કન્ટેનર ખોલાવતા અંદર ઓટો પાર્ટ્સની આડમાં છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો
અગાઉ પણ પોલીસે તરસાલી ડમ્પીંગ ગ્રાઉન્ડની આસપાસથી 3 વાર દારૂ ભરેલી ટ્રક ઝડપી હતી. જેમાં શહેરના કેટલાક બુટલેગરોના નામ ખૂલ્યા હતા. આ મામલાની તપાસ હજી ચાલી રહી છે. ત્યારે આ કન્ટેનરમાંથી મળેલો દારૂ બિયરનો જથ્થો શહેરના કયા બુટલેગરને આપવા માટે લાવવામાં આવ્યો હતો, એની પણ તપાસ ચાલી રહી છે. પોલીસે વ્હીસ્કી અને બીયર ટીન મળીને કુલ 4344 નંગ (રૂ.4.35 લાખ), કન્ટેનર ટ્રક રૂ. 25 લાખ, ઓટો પાર્ટ્સનો સામાન રૂ.18,83 લાખ, મોબાઈલ ફોન મળી કુલ 48 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગે કપુરાઇ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
પોલીસે ચાલક સાદ બસીર મેવ. (ઉ.વ.29, રહે. ગામ ખલ્લુકા, તા.પહારી, જિલ્લો ભરતપુર, રાજસ્થાન)ને ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં ખુલાસો થતાં તેણે જણાવ્યું હતું કે, તે હરિયાણાના પલવલથી ઓટો પાર્ટ્સનો સામાન ભરી સાઉથ ગોવા જવા નીકળ્યો હતો. તેના મિત્ર નફીસ ખાન દ્વારા રાજસ્થાનના બુટલેગર રાજેન્દ્ર સાથે તેનો સંપર્ક થયો હતો. રાજેન્દ્રએ તેને ગુજરાતમાં દારૂ પહોંચાડવા 20 હજારની લાલચ આપી હતી. ગત 13મી એ ઉદયપુર બાયપાસ પાસે રાજેન્દ્રએ પોતે દારૂ કન્ટેનરમાં મૂક્યો હતો. પોલીસે રાજેન્દ્ર (રહે. ઉદયપુર, રાજસ્થાન) અને નફીસ ખાન ઉર્ફે નપીસ હરિયાણાને વોન્ટેડ જાહેર કર્યા હતા.


