- મૂળ ધોળકાના રહેવાસી અને મધ્યપ્રદેશમાં હોટલ ચલાવતા આશિષ પરમારની ધરપકડ, આવતા મહિને તેનો બર્થડે આવતો હોવાથી મિત્રોને પાર્ટી આપવા માટે દારૂ લઈને પોતાના વતન જઈ રહ્યો હતો
- કારમાંથી વિદેશી દારૂના 5 બોક્સ કમત 88,956, 3 મોબાઇલ અને 5.04 લાખ રોકડા પણ કબજે કરાયા
વડોદરા શહેરના હરણી પોલીસની ટીમ ગોલ્ડન બ્રિજ નીચે વાહન ચેકિંગમાં હતી. આ દરમિયાન હાલોલ તરફથી આવતી શંકાસ્પદ મહિન્દ્રા થાર કારને અટકાવી તપાસ કરતાં કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારચાલકને ઝડપી પાડી 88 હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો થાર કાર, ત્રણ મોબાઇલ ફોન અને રોકડ સહિત કુલ રૂપિયા 18 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને એક આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપી મૂળ ધોળકાનો રહેવાસી છે અને મધ્યપ્રદેશમાં હોટલ ચલાવે છે અને આવતા મહિને તેનો બર્થડે આવતો હોવાથી મિત્રોને પાર્ટી આપવા માટે દારૂ લઈને પોતાના વતન જઈ રહ્યો હતો.
વડોદરા શહેરના હરણી પોલીસની ટીમ ગોલ્ડન બ્રિજ નીચે વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન રાત્રે આશરે 8.45 વાગ્યે હાલોલ તરફથી મહિન્દ્રા થાર કાર આવતી જોવા મળી હતી. કાર શંકાસ્પદ જણાતાં પોલીસે તેને કોર્ડન કરી અટકાવી હતી. કારની ડ્રાઇવિંગ સીટ પર બેઠેલા શખ્સ આશિષ અશોકભાઈ પરમાર (ઉં.વ.29, મૂળ રહે. ધોળકા, જી. અમદાવાદ, હાલ રહે. ખરગોન, મધ્યપ્રદેશ)ને ઝડપી પાડ્યો હતો.
પોલીસે થાર કારની પાછળની સીટની તપાસ કરતાં વિદેશી દારૂના 5 બોક્સ મળી આવ્યા હતા. પોલીસ સ્ટેશન ખાતે દારૂના બોક્સ બહાર કાઢી બ્રાન્ડ અને બેચ મુજબ ગણતરી કરવામાં આવતાં કુલ 88,956 રૂપિયાની કિંમતની દારૂનો જથ્થો હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત આરોપીની અંગઝડતી દરમિયાન 3 મોબાઇલ ફોન મળી આવ્યા હતા. કારની તપાસ દરમિયાન એક કપડાની બેગમાંથી 5 લાખ રોકડા તેમજ ડ્રાઇવર સીટની બાજુના આર્મ રેસ્ટના બોક્સમાંથી વધુ 4,270 રૂપિયા રોકડા મળી આવ્યા હતા.
સમગ્ર કાર્યવાહી દરમિયાન દારૂનો જથ્થો, ત્રણ મોબાઇલ રોકડ રૂ.5,04,270 અને મહિન્દ્રા થાર કાર રૂ.10 લાખ, મળી કુલ રૂ.18,03,226નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે હરણી પોલીસે આરોપી આશિષ અશોકભાઈ પરમાર વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


