મકરપુરા રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ગાર્ડના ડબ્બામાં ધામણ સાપ ઘૂસી જતાં રેસ્ક્યુ કરાયું, વન વિભાગને સોંપાયો

રેલવે સ્ટાફે GSPCAનો સંપર્ક કર્યો, રેસ્ક્યુઅર પ્રિગ્નેશભાઈએ સાપને સુરક્ષિત બહાર કાઢ્યો

MailVadodara.com - A-cobra-entered-the-guard-compartment-of-a-train-at-Makarpura-railway-station-and-was-rescued-and-handed-over-to-the-forest-department

- જરૂરી સાધનો સાથે રેસ્ક્યુ ટીમ સ્થળે પહોંચી હતી, સાપને ઈજા વિના સફળ રેસ્ક્યુ કરાયો

વડોદરા શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં અવારનવાર વન્યજીવો માનવ વસવાટ કે વાહનોમાં ઘૂસી જવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. આવી જ એક ઘટના વડોદરાના મકરપુરા રેલવે સ્ટેશન ખાતે બનવા પામી હતી. મકરપુરા રેલવે સ્ટેશન પર આવી પહોંચેલી એક ટ્રેનના ગાર્ડના ડબ્બામાં અચાનક એક મોટો રેટ સ્નેક (ધામણ સાપ) ઘૂસી ગયો હોવાની જાણ થઈ હતી. ટ્રેનના ગાર્ડ ડબ્બામાં સાપ હોવાની જાણ થતાં જ રેલવે કર્મચારીઓ તેમજ આસપાસના લોકોમાં ક્ષણભર માટે ભય અને આશ્ચર્યનો માહોલ સર્જાયો હતો.

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેલવે સ્ટાફ દ્વારા તાત્કાલિક વન્યજીવ સંરક્ષણ માટે કામ કરતી બિનસરકારી સંસ્થા GSPCA (ગુજરાત સોસાયટી ફોર પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિબલ્સ)નો સંપર્ક કરવામાં આવ્યો હતો. માહિતી મળતા જ સંસ્થાના અનુભવી અને કુશળ રેસ્ક્યુઅર પ્રિગ્નેશભાઈ તમામ જરૂરી સાધન-સામગ્રી સાથે મકરપુરા રેલવે સ્ટેશન ખાતે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓએ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ટ્રેનના ગાર્ડના ડબ્બામાં છુપાયેલા ધામણ સાપની ચોક્કસ જગ્યા શોધી કાઢી હતી.

રેસ્ક્યુઅર પ્રિગ્નેશભાઈએ ખૂબ જ સાવચેતી, ધૈર્ય અને સૂઝબૂઝપૂર્વક કામગીરી હાથ ધરીને સાપને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે ગાર્ડના ડબ્બામાંથી બહાર કાઢીને તેનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ થતાં જ રેલવે સત્તાધીશો અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ રેસ્ક્યુ કામગીરી પૂર્ણ થયા બાદ નિયમાનુસાર સાપને સુરક્ષિત રીતે વન વિભાગની ટીમને સોંપવામાં આવ્યો છે, જેથી તેને તેના કુદરતી વસવાટમાં મુક્ત કરી શકાય.

Share :

Leave a Comments