- બીજી ઘટનામાં બરોડા ડેરીના સુગમ વિભાગના કોલ્ડ સ્ટોરેજના એક એ.સી.માં આગ લાગી હતી
- પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું બહાર આવ્યું

વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના અંબાવ ગામ પાસે ચાલુ કારમાં અચાનક આગ લાગવાની એક સપ્તાહમાં બીજી ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. કોઈ કારણસર હ્યુંડાઈ પેટ્રોલ પંપ પાસે કારમાં આગ લાગી હતી. સમય સૂચકતાથી કાર ચાલક ગાડીમાંથી ઉતરી જતા આબાદ બચાવ થયો હતો. આ ઉપરાંત બરોડા ડેરીના સુગમ વિભાગના ACમાં આગ લાગી હતી.

મળતી માહિતી પ્રમાણે ડભોઇ તાલુકાના ચાંદોદ ગામમાં રહેતા દેવેશભાઇ ત્રિવેદી કાર લઇને વડોદરા તરફ આવી રહ્યા હતા. દરમિયાન અંબાવ ગામ પાસે ચાલુ કારમાં આગ લાગી હતી. કારમાં આગ લાગતાં જ ચાલક સમય સુચકતા વાપરી નીચે ઉતરી જતાં આબાદ બચાવ થયો હતો. કારમાં માત્ર માલિક જ હતા. ગાડીમાં આગ લાગતા જોતજોતામાં કાર ભડથું થઈ ગઈ હતી. આગના બનાવને લઈ ડભોઈ ફાયર ફાયટરની ટીમે ઘટના સ્થળે પહોંચી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. ડભોઈ પોલીસ પણ પહોંચી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ બનાવના પગલે ટ્રાફિકજામ થઇ ગયો હતો.

આ ઉપરાંત બરોડા ડેરીના સુગમ વિભાગના કોલ્ડ સ્ટોરેજના એક એ.સી.માં આગ લાગી હતી. આગના બનાવની જાણ મેનેજર નિકુંજ પટેલે ફાયર બ્રિગેડને કરતા ટીમ આવી પહોંચી હતી અને આગ કાબુમાં લીધી હતી. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આ બનાવમાં કોઈ જાનહાની થઇ નથી.


