- આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કાર આગની લપેટમાં આવી ગઈ હતી, સ્થાનિકોએ દુકાનોમાંથી ડોલઅને જગથી પાણી નાખી ભારે જહેમત બાદ આગ બુઝાવી
વડોદરાના ગોત્રી વિસ્તારમાં પાણીની ટાંકી પાસે પસાર થઈ રહેલી એક કારમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે સ્થાનિક લોકોની સતર્કતા અને સમયસરની કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, ગોત્રી પાણીની ટાંકી નજીકથી પસાર થઈ રહેલી કારમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. જેને પગલે ચાલક તુરંત બહાર નીકળી ગયો હતો. જોકી થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કાર આગની લપેટમાં આવી ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
આગની જાણ થતાં નજીકના દુકાનદારો અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ લોકોએ દુકાનોમાંથી ડોલ અને જગમાં પાણી ભરી આગ બુઝાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. સ્થાનિકોની સમયસૂચકતાને કારણે આગ આસપાસ પાર્ક કરેલા વાહનો કે નજીકની દુકાનો સુધી ફેલાતી અટકી ગઈ હતી, જેના કારણે મોટું નુકસાન થતાં બચી ગયું હતું.

પ્રાથમિક તપાસ મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. જોકે કારના એન્જિનમાં શોર્ટ સર્કિટ અથવા ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેને લઈને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


