- પોલીસે 3 લાખની કિંમતની દારૂ ભરેલી કાર અને અન્ય વાહનો મળી 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો
- મોકસી ગામના શૈલેષ માળીએ દારૂ મંગાવ્યો હોવાની બાતમી મળી
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોકસી ગામની સીમમાંથી રૂપિયા 3 લાખનો દારૂ ભરેલી કાર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. જોકે આરોપીઓ પોલીસે રેડ કરતા અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા. ભાદરવા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના PI કે.આર. સિસોદિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમના ASI બળદેવસિંહ, કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ, ધવલસિંહ, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ચિરાગભાઈ, પ્રદિપસિંહ પેટ્રોલિગમાં હતા. દરમિયાન કોન્સ્ટેબલ ધવલસિંહ અને કોન્સ્ટેબલ પ્રદિપસિંહને બાતમી મળી હતી કે મોકસી ગામમાં રહેતા શૈલેષ બુધા માળીએ દારૂ મંગાવ્યો છે.
આ બાતમીના આધારે પોલીસ ટીમે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા જ આરોપીઓ દારૂ ભરેલી કાર તેમજ અન્ય ટુ-વ્હીલર સ્થળ ઉપર છોડીને ફરાર થઈ ગયા હતા. સ્થળ પાસે પહોંચેલી પોલીસને રૂપિયા 3 લાખનો દારૂ ભરેલી કાર મળી આવી હતી. ઉપરાંત ટુ-વ્હિલરો મળી આવ્યા હતા. પોલીસે રૂપિયા 3 લાખની કિંમતની દારૂ ભરેલી કાર અને અન્ય વાહનો મળી રૂપિયા 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દરમિયાન LCBએ આ અંગેની ફરિયાદ ભાદરવા પોલીસ મથકમાં નોંધાવી હતી. ફરિયાદના આધારે ફરાર થઈ ગયેલા બૂટલેગર શૈલેષ માળી વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.


