- ખોટું જન્મનું પ્રમાણપત્ર રજૂ કરનાર અરજદારે કહ્યું, મારી દુકાને આવતા મારા મિત્રએ રૂપિયામાં 350 ડોક્યુમેન્ટ લઈ જઇ જન્મનું પ્રમાણપત્ર કાઢી આપ્યું હતું, આ બાબતે હું પોલીસ ફરિયાદ કરીશ
વડોદરા શહેરમાં છેલ્લા બે મહિનામાં એક બાદ એક બોગસ જન્મના પ્રમાણપત્રો હાથ લાગ્યા છે. છેલ્લા અઠવાડિયે શહેરના વારસિયા અને માંજલપુર વિસ્તારમાંથી નકલી જન્મનું પ્રમાણપત્ર મળી આવ્યું હતું, આજે ફરી એક શહેરના વોર્ડ નંબર-1માં બોગસ જન્મનું પ્રમાણપત્ર હાથ લાગ્યું છે. અરજદારે માત્ર 350 રૂપિયામાં આ જન્મનું પ્રમાણપત્ર બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે ફરિયાદ અંગેની કાર્યવાહી શરૂ કરી છે.
વડોદરામાં જન્મના પ્રમાણપત્રો છેલ્લા બે મહિનાથી 8 જેટલા ઝડપાઈ ચૂક્યા છે અને દરેકમાં પોલીસે ફરિયાદ નોધી કાર્યવાહી કરી છે. એક બાદ એક સિલસિલો યથાવત રહેતા આખરે ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચની તપાસ વચ્ચે વધુ એક ડમી જન્મનું પ્રમાણપત્ર મળી આવતા હડકંપ મચી ગયો છે. વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલી વોર્ડ નંબર-1માં આધારકાર્ડ કામગીરી દરિમયાન એક પરિવાર પાસેથી બોગસ સર્ટિફિકેટ મળી આવ્યું છે. આ જન્મના પ્રમાણપત્રમાં VMCનો સિમ્બોલ, રજીસ્ટરની સહી, સ્ટેમ્પ ખોટા છે ત્યારે હવે આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને વસ્તી ગણતરી અધિકારી શમીક શાંતિલાલ જોષી આ અંગે તેઓએ જણાવ્યું હતું કે, આ જન્મનું પ્રમાણપત્ર બાબતે અમને ઓપરેટર દ્વારા જાણ કરવામાં આવી હતી કે, એક સર્ટિફિકેટ નકલી હોય એવું જણાઈ રહ્યું છે. તેનો ફોટો મોકલતા જન્મ-મરણ શાખા દ્વારા ચકાસણી કરવામાં આવતા તે ડમી હોવાનું જણાવતા તાત્કાલિક પહોંચી પોલીસને જાણ કરી હતી. આ મામલે અરજદાર પોતે ફરિયાદ કરવા ઈચ્છતો હોવાથી પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી છે.
ખોટું જન્મનું પ્રમાણપત્ર રજૂ કરનાર અરજદાર રજનીકાંત ભાઈએ જણાવ્યું હતું કે, મારા મિત્રએ આ પ્રમાણપત્ર બનાવી આપ્યું છે. તે મારી દુકાને આવે છે અને તેને મને 350 રૂપિયામાં જન્મનું પ્રમાણપત્ર કાઢી આપવાનું કહ્યું હતું. અને મેં 350 રૂપિયા આપતા ડોક્યુમેન્ટ લઈ ગયેલ અને ત્યારબાદ મને જન્મનું પ્રમાણપત્ર મળ્યું હતું. મારી સાથે છેતરપિંડી થઈ છે હું આ બાબતે ફરિયાદ કરીશ એવું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં છેલ્લા બે મહિનામાં વિવિધ પોલીસ મથકો જેમાં મકરપુરામાં ત્રણ, રાવપુરામાં એક, વારસિયામાં બે, માંજલપુરમાં એક ડમી જન્મનું પ્રમાણપત્ર મળી આવ્યું છે તે બાબતે ફરિયાદ કરવામાં આવી છે જ્યારે આજે વડોદરાના વોર્ડ નંબર-1 છાણી વિસ્તારમાંથી આ ડમી સર્ટીફીકેટ મળી આવતા આ મામલે પણ પોલીસ વધુ તપાસ શરૂ કરી છે.


