અટલાદરાના કોઠી ફળિયામાં પાર્કિંગના ઝઘડામાં બે પરિવાર વચ્ચે લોહીયાળ અથડામણ, 8 ઈજાગ્રસ્ત

બુલેટ બાઈક આડી મૂકવા મુદ્દે શરૂ થયેલો વિવાદ બેકાબૂ બનતાં બંને પક્ષોએ સામસામે મારામારી કરી

MailVadodara.com - A-bloody-clash-between-two-families-over-a-parking-dispute-in-Kothi-Phalia-Atladara-8-injured

- ઈંટો-પથ્થર અને સ્ટીલ પાઈપોથી હુમલામાં વાહનો અને ઘરોને નુકસાન

- બીજા પક્ષનો વળતો દાવો ગેરેજના પાર્કિંગના જૂના વિવાદમાં માતા-પત્ની પર કરાયો હુમલો

શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા કોઠી ફળિયામાં સામાન્ય પાર્કિંગ બાબતે બે પાડોશી પરિવારો સામસામે આવી ગયા હતા. ઉગ્ર બોલાચાલી બાદ મામલો એટલો બિચક્યો હતો કે બંને પક્ષો વચ્ચે લોહીયાળ જંગ ખેલાયો હતો. જાહેરમાં ઈંટો, પથ્થરો અને સ્ટીલની પાઇપો વડે પરસ્પર હુમલો કરવામાં આવતા મહિલાઓ સહિત કુલ 8 લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે, જે તમામને સારવાર અર્થે નજીકની બી.એ.પી.એસ. (BAPS) હોસ્પિટલમાં ખસેડાયા છે. આ હિંસક અથડામણમાં ઇકો કાર સહિત ઘરની બારીઓના કાચ પણ તૂટ્યા હતા. ઘટનાને પગલે અટલાદરા પોલીસે બંને જૂથની ફરિયાદોના આધારે સામસામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


રસ્તા પર બુલેટ બાઇક આડી મૂકવા જેવી સામાન્ય બાબતે બંને પક્ષો વચ્ચે વિવાદની શરૂઆત થઈ હતી. જેમાં પવનકુમાર તથા તેમના પરિવારના સભ્યો મહેન્દ્ર ચાવડા, દેવ ચાવડા, મિલન ચાવડા, વિનોદ ચાવડા અને શ્રીજીત સહિતના લોકોએ એકસંપ થઈ યોગેશભાઈ અને તેમના પરિવારજનો સાથે મારામારી શરૂ કરી હતી. આ દરમિયાન ઈંટ અને સ્ટીલની પાઈપ વડે આડેધડ હુમલો કરાતા યોગેશભાઈ, તેમના ભાઈ દિપક ઉર્ફે અજય, પિતા ફતેસિંહ, ભાભી હિરલબેન, ભત્રીજા નિલેશ, ભત્રીજી કૃપા તેમજ મોટા પપ્પા સોમાભાઈને શરીરે નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. હુમલાખોરોએ તેમની ઇકો ગાડીના કાચ તોડીને પણ નુકસાન પહોંચાડ્યું હતું.


બીજી તરફ, ફરિયાદી પવનકુમાર મહેન્દ્રસિંહ ચાવડાએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી વળતી ફરિયાદમાં જણાવ્યું છે કે, છેલ્લા 1 વર્ષથી તેમના ઘરની બિલકુલ સામે દીપકભાઈ ઉર્ફે અજય ચાવડા ગેરેજ ચલાવે છે. આ ગેરેજમાં આવતી મોટી ગાડીઓ રસ્તા પર આડી પાર્ક થતી હોવાના કારણે અગાઉ પણ તેમની વચ્ચે પાર્કિંગ મુદ્દે બોલાચાલી થઈ હતી. ઘટનાના દિવસે યોગેશભાઈ પોતાની ઇકો ગાડી લઈને આવ્યા બાદ તેઓ અને તેમના સાથીઓએ ગાળાગાળી કરી ઝપાઝપી શરૂ કરી હતી અને ઈંટના ટુકડા ફેંકી પવનકુમારને ઇજા પહોંચાડી હતી.

આ દરમિયાન દીપક ઉર્ફે અજયે તેમની માતા રેખાબેનના માથામાં ઈંટ મારી દીધી હતી, જ્યારે સ્મિત સોલંકી નામના શખ્સે તેમની પત્ની કોમલબેનના નાકના ભાગે ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત વિશાલ ચાવડા અને નિલેશ ચાવડાએ તેમના કાકાની ઇકો ગાડી તેમજ ઘરના બારીના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હતું. અટલાદરા પોલીસે બંને પક્ષોની ફરિયાદોના આધારે ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments