- શરીરના બે ટૂકડા થઇ જતા સ્થળ પર જ મોત
- મૃતકના પુત્રે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ભાગી ગયેલા વાહન ચાલકની શોધખોળ શરૂ
વડોદરા શહેર નજીક હાઇવે પર પદમલા ગામ નજીક વાહનની અડફેટે બાઇક સવાર રોડ પર પડતા તેમના શરીર પરથી વાહનના તોતિંગ પૈડા ફરી વળતા બે ટૂકડા થઇ જતા અરેરાટીભર્યુ મોત થયું છે.
આણંદ જિલ્લાના રાજુપુરા ગામ શિલાલેખ સોસાયટીમાં રહેતા પંકજભાઇ વિષ્ણુભાઇ સુથાર (ઉં.વ.૪૭) ગઇકાલે સવારે આઠ વાગ્યે બાઇક લઇને હાલોલ નોકરી પર જવા માટે નીકળ્યા હતા. સાંજે તેઓ પરત આવી રહ્યા હતા. તે દરમિયાન વડોદરાથી વાસદ તરફ જવાના રોડ પર પદમલા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે તેઓને ટક્કર મારતા ફંગોળાઇને રોડ પર પડયા હતા. તેમના શરીર પરથી વાહનના તોતિંગ પૈડા ફરી વળતા શરીરના બે ટૂકડા થઇ ગયા હતા. જે અંગે મૃતકના પુત્રે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી ભાગી છૂટેલા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.


