સનફાર્મા રોડ પર વોક્સવેગન અને નિઝામપુરામાં થાર કાર સળગી, બંને બનાવમાં ચાલકોનો આબાદ બચાવ

વડોદરામાં બંને કારમાં વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું

MailVadodara.com - A-Volkswagen-caught-fire-on-Sun-Pharma-Road-and-a-Thar-car-in-Nizampura-drivers-narrowly-escaped-in-both-incidents

- ફાયર ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો

વડોદરા શહેરમાં 27 જુલાઈની મોડીરાત્રે સનફાર્મા રોડ અને નિઝામપુરાના મહેસાણા સર્કલ ખાતે કારમાં આગ લાગવાની બે અલગ-અલગ ઘટનાઓ બની હતી. સનફાર્મા રોડ પર ચાલુ વોક્સવેગન કારમાં અને મહેસાણા સર્કલ પાસે પાર્ક કરેલી થાર કારમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. જોકે, બંને ઘટનામાં સવાર લોકો સમયસર બહાર નીકળી જતાં જાનહાનિ ટળી હતી. ફાયર ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

બાઇકચાલકે ધુમાડો જોતાં પરવેઝ રાઠોડનો જીવ બચ્યો


સનફાર્મા રોડ પર આવેલા BMW શોરૂમ સામેથી પસાર થતી વોક્સવેગન કારમાંથી ધુમાડો નીકળતો જોઈ પાછળથી આવતા બાઇકચાલકે કારચાલકને જાણ કરી હતી. જેથી કારચાલક પરવેઝ રાઠોડ ત્વરિત બહાર નીકળી ગયા હતા અને જોતજોતામાં કાર આગની લપેટમાં આવી ગઈ હતી. વાસણા ફાયર સ્ટેશનની ટીમે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.

નાસ્તો કરવા ગયેલા પિતા-પુત્રની થાર કાર બળીને ખાખ


બીજી ઘટનામાં નિઝામપુરાના મહેસાણા સર્કલ પાસે પિતા-પુત્ર પોતાની થાર કાર પાર્ક કરીને નજીકમાં નાસ્તો કરવા ગયા હતા. તે દરમિયાન કારમાં અચાનક ભીષણ આગ લાગતાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. છાણી ટીપી-13 ફાયર સ્ટેશનની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

ફાયર વિભાગની પ્રાથમિક તપાસ અનુસાર બંને કારમાં વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. સમયસૂચકતા અને ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીના કારણે મોટી હોનારત ટળી હતી.

Share :

Leave a Comments