મારેઠા ગામે 30 ફૂટ ઊંડા ખાડામાં 9.5 ફૂટનો મગર ઘૂસી ગયો, ભારે જહેમત બાદ ક્રેનથી ઊંચકીને બહાર કઢાયો

બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન મહાકાય મગરને જોઈ કામદારોમાં ગભરાઇ ગયા હતા

MailVadodara.com - A-9-5-foot-crocodile-entered-a-30-foot-deep-pit-in-Maretha-village-after-much-difficulty-it-was-lifted-out-with-a-crane

- રેસ્ક્યૂ ટીમને કીચડમાં રહેલા મગરને બહાર કાઢવામાં પરસેવો વળી ગયો હતો

- મગરને રોપ અને હાઈડ્રા દ્વારા 2 કલાકની ભારે જહેમત બાદ મગરને બહાર કાઢવામાં સફળતા મળી હતી


વડોદરા પાસે મારેઠા ગામમાં નદીની બાજુમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામગીરીના સ્થળે મહાકાય મગર આવી જતાં ફફડાટ ફેલાયો હતો. પિલરની ચાલી રહેલી કામગીરીના સ્થળે 9.5 ફૂટનો મહાકાય મગર આવી જતાં જીવદયાપ્રેમી હેમંત વઢવાણાની ટીમ અને વન વિભાગે મળીને રેસ્ક્યૂ કર્યો હતો. આ કામગીરીમાં 150 કિલોના મહાકાય મગરને બહાર કાઢવો મુશ્કેલ હોવાથી ક્રેનની મદદથી એને 30 ફૂટ ઊંડા ખાડામાંથી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો અને ફરી વિશ્વામિત્રી નદીમાં છોડી દેવામાં આવ્યો હતો.


ચોમાસાની સિઝન પૂરી થઈ ગઈ છે, જોકે વડોદરામાં મગરો નીકળવાનો સિલસિલો હજી યથાવત્ છે. મારેઠા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન 9.5 ફૂટનો એક મગર દેખાઈ આવતાં વડોદરાના જીવદયાપ્રેમી હેમંત વઢવાણાની ટીમ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્થળ પર પહોંચીને નિરીક્ષણ કર્યું હતું. 30 ફૂટના કીચડવાળા ખાડામાં ફસાયેલા મગરનું 2 કલાકની ભારે જહેમત પછી ખાડામાંથી ક્રેન દ્વારા સહી સલામત રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યો હતો. રેસ્ક્યૂમાં હેમંત વઢવાણા, સંદીપ ગુપ્તા, ભાવેશ બારિયા, વિપુલ ચાવડા, દીક્ષિત પટેલ અને મયૂરભાઈ સહિતના સ્વયંસેવકો જોડાયા હતા.


અહીં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી થઈ રહી છે એ જગ્યાએ પિલર કામગીરી સ્થળે 9.5 ફૂટનો મહાકાય મગર આવી જતાં કામદારોમાં ફફડાટ ફેલાયો હતો. બાજુમાં જ નદી હોવાથી અહીં મગરો આવતા હોય છે અને કામગીરી સ્થળે કીચડ અને પાણી હોવાથી અહીં મગર માઇગ્રેટ કરતા હોય છે.


જીવદયાપ્રેમી હેમંત વઢવાણાએ જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ખાડામાં મગર આવી ગયો હોવાનો કોલ મળ્યો હતો, તેથી અમે દોડી ગયા હતા અને રેસ્ક્યૂ- ઓપરેશન શરૂ કર્યું હતું. અમે લોકોએ મગરને રોપ અને હાઈડ્રા દ્વારા બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો અને અમે આ પ્રયત્નમાં સફળ થયા હતા.


Share :

Leave a Comments