- વન વિભાગ અને WRTની ટીમને ભારે જહેમત બાદ 6 ફૂટના મહાકાય મગરને રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી, મગરને રેસ્ક્યૂ કરી વન વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો

વડોદરા શહેરના ભાયલી-સેવાસી કેનાલ રોડ ઉપર આવેલ અશ્વમેઘ એવન્યુમાં કાર નીચે 6 ફૂટનો મહાકાય મગર આવી ગયો હતો. જેને પગલે આસપાસના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે ઘટના સ્થળે પહોંચેલી રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ મગરને રેસ્ક્યૂ કર્યો હતો અને મગરને વડોદરા વન વિભાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

હાલ શહેરમાં વરસાદની માહોલ છે, જેને પગલે વડોદરા શહેરમાં મગરો નીકળવાનો સિલસિલો હજી યથાવત છે ત્યારે વડોદરા શહેરના ભાયલી -સેવાસી કેનાલ રોડ ઉપર આવેલ અશ્વમેઘ એવન્યુમાં એક મહાકાય મગર ઘૂસી ગયો હતો અને મગર કારની નીચે જતો રહ્યો હતો. સવારે મોર્નિંગ વોકમાં નીકળેલા વ્યક્તિએ મગરને જોયો હતો. જેથી તેઓએ સોસાયટીના રહીશોને જાણ કરી હતી. લોકોએ બુમાબુમ કરતા લોકોના ટોળા જામ્યા હતા, મહાકાય મગરને જોયા બાદ લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો.


મગરને જોયા બાદ આસપાસના લોકોએ તુરંત જ રેસ્ક્યુ ટીમને જાણકારી આપી હતી, જેથી વન વિભાગના જીગ્નેશ પરમાર અને WRTના વરૂણભાઇએ તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ મગરને રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી. ત્યારબાદ મગરને વન વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો. વન વિભાગ આ મગરને સહી સલામત રીતે તેના નિવાસ્થાને (વિશ્વામિત્રી નદી) છોડી દેશે.

વડોદરા વન વિભાગના રેસ્ક્યુયર જીગ્નેશભાઈ પરમાર એ જણાવ્યું હતું કે, WRT સંસ્થામાંથી કિરણ શર્માનો અમને કોલ મળ્યો હતો કે સેવાસી ભાયલી રોડ પર એક સોસાયટીમાં મગર આવી ગયો છે, જેથી અમે સ્થળ પર પહોંચી ગયા હતા અને WRTની ટીમ સાથે મળીને મગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યો હતો.

સ્થાનિક કાલીચરણભાઈએ જણાવ્યું હતું કે, હું આજે સવારે મોર્નિંગ વોક પર નીકળ્યો હતો, તે સમયે મેં કારની નીચે એક મહાકાય મગર જોયો હતો. જેથી મેં તુરંત જ વન વિભાગ અને WRTની ટીમને જાણ કરી હતી, તેઓએ મગરને રેસ્ક્યુ કર્યો છે, જેથી અમને બધાને રાહત થઈ છે.


