- પાણી ખેંચવા ચાલુ કરેલી ઇલેક્ટ્રિક મોટર અચાનક ટાંકીમાં પડી જતાં યુવકે મોટર બહાર કાઢવા હાથ નાખતા વીજ કરંટ લાગ્યો હતો, નંદેસરી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો
વડોદરા જિલ્લાના અનગઢ ગામમાં એક અત્યંત હૃદયદ્રાવક અને આઘાતજનક ઘટના સામે આવી છે. ઘરમાં નવી બની રહેલી પાણીની ટાંકીની સાફ-સફાઈ કરતી વખતે અચાનક જોરદાર વીજ કરંટ લાગવાના કારણે એક આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે મૃતક યુવકના પરિવાર સહિત સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતાં જ નંદેસરી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, અનગઢ ગામના રામગઢ પરા પ્રાથમિક શાળા પાસે રહેતા કમલેશકુમાર લક્ષ્મણસિંહ ગોહિલ (ઉં.વ. 34) પોતાના નવા બની રહેલા મકાનની કામગીરી કરાવી રહ્યા હતા. મકાનની બાજુમાં જ પાણી સંગ્રહ કરવા માટે એક ટાંકી (હોજ) બનાવવામાં આવી હતી. કમલેશકુમાર આ ટાંકીની સાફ-સફાઈ કરી રહ્યા હતા, તે સમયે તેમણે પાણી ખેંચવા માટેની ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરી હતી. દરમિયાન ચાલુ મોટર અચાનક પાણીની ટાંકીમાં ખાબકી હતી. પાણીમાં પડેલી ચાલુ મોટરને બહાર કાઢવા માટે કમલેશકુમારે જેવો ટાંકીમાં હાથ નાખ્યો કે તરત જ આખા પાણીમાં ફેલાયેલો પ્રચંડ વીજ કરંટ તેમના શરીરમાં પસાર થઈ ગયો હતો. કરંટ એટલો જોરદાર હતો કે કમલેશકુમારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ મામલે નંદેસરી પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


