કોયલી ગામના 22 વર્ષીય યુવકનો પરિવારના ઠપકા બાદ ખેતરમાં ઝાડ પર ગળે ફાંસો ખાઈને આપઘાત

ઇન્દિરા નગરમાં રહેતો વિજય પરમાર રાત્રે ઘરેથી નીકળી ગયો હતો, મોબાઇલ બંધ આવતો હતો

MailVadodara.com - A-22-year-old-youth-from-Koyali-village-committed-suicide-by-hanging-himself-from-a-tree-in-a-field-after-being-scolded-by-his-family

- બીજા દિવસે સવારે માતા ખેતરમાં ચારો લેવા ગઈ ત્યારે ખેતરના છેડે આવેલા રાયણના ઝાડ પર પુત્ર વિજયને દોરડા વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોઈને ચોંકી ઉઠી હતી

વડોદરા શહેર નજીક આવેલા કોયલી ગામના ઇન્દિરા નગર વિસ્તારમાં રહેતા 22 વર્ષીય યુવક વિજય નટુભાઈ પરમારે રાત્રિના સમયે ઘરેથી નીકળી જઈને ગામ નજીકના ખેતરમાં રાયણના ઝાડ પર દોરડા વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બીજા દિવસે સવારે તેની માતા ખેતરમાં જતી વખતે પુત્રને ઝાડ પર લટકતી હાલતમાં જોઈને ચોંકી ઉઠી હતી.

મળતી માહિતી અનુસાર, વિજય પરમાર છૂટક ડ્રાઇવિંગનો ધંધો કરતો હતો અને પોતાની મરજી મુજબ જીવન જીવવાની ટેવ ધરાવતો હતો. તેને મોંઘા મોબાઈલનો શોખ હતો અને તાજેતરમાં જ તેણે મોંઘા ભાવનો આઈફોન ખરીદ્યો હતો. પરંતુ કામ-ધંધામાં ધ્યાન ન આપવા અને પોતાની મરજી પ્રમાણે વર્તવાના કારણે પરિવારજનોએ તેને ઠપકો આપ્યો હતો.

આ ઠપકાથી આઘાત પામેલો વિજય રાત્રે કોઈને કંઈ કહ્યા વિના ઘરેથી નીકળી ગયો હતો. તેનો મોબાઈલ સ્વિચ ઓફ આવતો હતો. મોડી રાત સુધી ઘરે ન પરત ફરતા પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી અને મિત્રો તથા સંભવિત સ્થળોએ તપાસ કરી હતી, પરંતુ તે મળ્યો ન હતો.

બીજા દિવસે સવારે માતા ખેતરમાં ચારો લેવા ગઈ ત્યારે ખેતરના છેડે આવેલા રાયણના ઝાડ પર પુત્ર વિજયને દોરડા વડે ગળે ફાંસો ખાઈને લટકતો જોયો હતો. આ દૃશ્ય જોતાં જ માતા ચોંકી ઉઠી અને તરત જ પરિવારજનો તથા ગામના લોકોને જાણ કરી હતી. ઘટનાસ્થળે દોડી આવેલા લોકોએ જવાહરનગર પોલીસને તાત્કાલિક જાણ કરી હતી.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહની તપાસ કરી તેના ખિસ્સામાંથી મળી આવેલ મોબાઈલ ફોન કબજે લીધો હતો. આ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાએ આખા ગામમાં શોકનું મોજું ફેલાવી દીધું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments