વડોદરામાં 19 વર્ષના યુવકે બાઇક પરથી કાબૂ ગુમાવતા પેટ્રોલ પંપના હવા ભરવાના મશીન સાથે અથડાતાં મોત

પાણીગેટ પોલીસ મથક હદ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો

MailVadodara.com - A-19-year-old-youth-in-Vadodara-lost-control-of-his-bike-and-died-after-hitting-a-petrol-pump-air-filling-machine

- બેફામ સ્પીડે બાઇક હંકારી આવતો 19 વર્ષીય મૃતક આદિત્યકુમાર પરમાર પેટ્રોલ પંપ તરફ વળ્યો અને બાઈકના સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બાઈક ધડાકાભેર અથડાયો હતો

- અકસ્માત સર્જાતાં આસપાસના લોકોએ યુવકને હોસ્પિટલ ખસેડ્યો, યુવકે ગંભીર ઈજાઓના પગલે સારવાર મળે એ પહેલાં જ દમ તોડ્યો, પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને પરિવારને સોંપાયો


વડોદરા શહેરના પાણીગેટ પોલીસ મથક હદ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. યુવક પાણીગેટ પોલીસ મથક હદ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. એ દરમિયાન અચાનક બાઈકના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં પેટ્રોલ પંપના હવા ભરવાના મશીન સાથે ધડાકાભેર ટક્કર થતાં યુવકનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાના હૃદય કંપી જાય એવા CCTV સામે આવ્યા છે.


ગત 21 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે વડોદરાના કલાલી ગામના ચાણક્યનગરીમાં રહેતો આદિત્યકુમાર રાજેન્દ્રભાઈ પરમાર (ઉંમર વર્ષ 19) બપોરના સમયે શહેરના મહાવીર ચાર રસ્તાથી પાણીગેટ તરફ જઈ રહ્યો હતો. દરમિયાન તેણે પોતાની બાઈક બેફામ સ્પીડે ચલાવી સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં સીધો દૂધેશ્વર સોસાયટી સામે આવેલા ખાનગી પેટ્રોલ પંપ બહાર હવા પૂરવાના મશીન સાથે ધડાકાભેર અથડાઈ હતી.


આ અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી, જેમાં યુવકની બાઈકની સ્પીડ એટલી ભયાનક હતી કે નજરે જોનાર પણ ચોંકી જાય. ભયાનક રીતે ટક્કર થતાં યુવક ઘટનાસ્થળે જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. આસપાસના લોકોએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી યુવકને સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો, જોકે યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેણે સારવાર મળે એ પહેલાં જ દમ તોડી દીધો હતો.

પેટ્રોલ પંપ પાસે બનેલી અકસ્માતની ઘટના સમયે બાજુમાં રહેલી સ્ત્રી પણ ચોંકી ઊઠી હતી અને સ્તબ્ધ થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટના દરમિયાન કોઈ અન્ય વ્યક્તિ ત્યાં ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આ અકસ્માતમાં યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ પરિવારને સોંપવામાં આવ્યો હતો. આ ઘટનામાં પાણીગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં મૃતક યુવક આદિત્ય કેમેરા ફિટિંગનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે

Share :

Leave a Comments