- આ સઘન ઝુંબેશ માટે કુલ ૧૬૮૨ ટીમો કાર્યરત કરાઇ હતી જેમાં ગ્રામ્ય સ્તરે ૧૨૮૨ ટીમો અને કોર્પોરેશન વિસ્તારમાં ૪૦૦ ટીમો દ્વારા ઘરે-ઘરે જઈને નાગરિકોનું આરોગ્ય પરીક્ષણ કરાયું

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રક્તપિત્ત મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે વડોદરા જિલ્લામાં 'લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેઈન' (LCDC) સફળતાપૂર્વક સંપન્ન થયું છે. તાજેતરમાં તા. ૦૮-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨-૨૦૨૭ દરમિયાન વડોદરા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.


આ સઘન ઝુંબેશ માટે કુલ ૧૬૮૨ ટીમો કાર્યરત કરવામાં આવી હતી. જેમાં ગ્રામ્ય સ્તરે ૧૨૮૨ ટીમો અને કોર્પોરેશન વિસ્તારમાં ૪૦૦ ટીમો દ્વારા ઘરે-ઘરે જઈને નાગરિકોનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ટીમો દ્વારા રહેણાંક મકાનો ઉપરાંત શાળાઓ અને ઈંટના ભઠ્ઠા જેવા શ્રમિક વિસ્તારોમાં પણ વિશેષ મુલાકાત લઈ સર્વેની કામગીરી કરવામાં આવી હતી.


સર્વે દરમિયાન ટીમોને રક્તપિત્તના લક્ષણો ધરાવતા હોવાની આશંકા હોય તેવા કુલ ૬૬૯૭ શંકાસ્પદ કેસ મળી આવ્યા હતા. તબીબી તપાસ બાદ આ પૈકી કુલ ૯૮ નવા રક્તપિત્તના દર્દીઓ મળી આવ્યા છે, જેમને તાત્કાલિક ધોરણે સારવાર હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જો કે રાહતની બાબત એ છે કે સર્વે દરમિયાન કોઈ પણ બાળ દર્દી કે ગંભીર વિકલાંગતા ધરાવતા નવા કેસ નોંધાયા નથી.

આ અભિયાનને સફળ બનાવવા માટે આરોગ્ય કર્મચારીઓ માટે ખાસ તાલીમ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા રક્તપિત્ત અધિકારીશ્રી દ્વારા ફિલ્ડ વિઝિટ કરીને સર્વેક્ષણની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્તના દર્દીઓને વહેલી તકે શોધીને તેમને સંપૂર્ણ અને મફત સારવાર પૂરી પાડવા માટે આ અભિયાન અત્યંત કારગત નીવડ્યું છે. આવનારા સમયમાં પણ આવા અભિયાનોથી રોગની સમયસર ઓળખ અને સારવાર શક્ય બનશે.


