- આરોપીઓએ પોલેન્ડના વર્સો સિટીમાં પ્લેટિનમ હોસ્પિટલમાં કેરટેકરની નોકરીની લાલચ આપી પગાર 1.10 લાખ રૂપિયા મળશે તેમ કહ્યું હતું
પોલેન્ડમાં નોકરી અને વર્ક વિઝાના બહાને 2 આરોપીએ મળીને 9 લોકો સાથે 6.69 લાખ રૂપિયાની ઠગાઈ કરી છે. આ મામલે મહિલાએ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપીઓએ પોલેન્ડના વર્સો સિટીમાં પ્લેટિનમ હોસ્પિટલમાં કેરટેકરની નોકરીની લાલચ આપી હતી. પગાર 1.10 લાખ રૂપિયા મળશે તેમ કહ્યું હતું.
વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ પર આવેલા ગ્રીનફિલ્ડ-3માં રહેતા અલ્પાબેન નગીનભાઈ પટેલ (ઉંમર 56) એ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2022માં તેઓ દુબઈમાં 9 મહિના માટે ગાર્મેન્ટમાં નોકરી કરવા ગયા હતા. ત્યાં તેઓ શિલ્પાબેન કૈલાસભાઈ રાજપુત (રહે. વાડી ખેડકર ફળીયા, મરાઠીવાડી, વડોદરા) સાથે સાથે રહેતા અને કામ કરતા હતા. નવેમ્બર 2022માં પરત ફર્યા બાદ તેમની વચ્ચે કોઈ સંપર્ક નહોતો. એપ્રિલ 2025માં શિલ્પાબેન અચાનક અલ્પાબેનના ઘરે આવ્યા અને પોલેન્ડના વર્સો સિટીમાં પ્લેટિનમ હોસ્પિટલમાં કેરટેકરની નોકરીની લાલચ આપી હતી. પગાર 1.10 લાખ રૂપિયા મળશે તેમ કહ્યું હતું. અલ્પાબેન તેમનો મોબાઈલ નંબર આપ્યો અને શિલ્પાબેનનો નંબર લીધો હતો.
તા. 09/04/2025ના રોજ ફરિયાદી શિલ્પાબેનના ઘરે ગયા અને ત્યાંથી સેમ્યુઅલ ક્રિશ્ચન (રહે. 104, આસોપાલવ એપાર્ટમેન્ટ, સોમા તળાવ, ડભોઈ રોડ, કપુરાઇ ચોકડી પાસે)ના ઘરે લઈ ગયા. સેમ્યુઅલે પણ પોલેન્ડમાં કેરટેકરની નોકરી અને 15 દિવસમાં મોકલવાની વાત કરી. વિઝા ફી રૂ. 37,500 જણાવી હતી, જે પંદર દિવસમાં ન મળતા પરત કરી દીધી હતી.
તા. 13/07/2025થી સેમ્યુઅલે ફરીથી સંપર્ક કર્યો અને નોકરીની વાત કરી. ફરિયાદીએ 38,500 રૂપિયા સેમ્યુઅલની પત્ની આનંદ સેમ્યુઅલ ક્રિશ્ચનના નામે ટ્રાન્સફર કર્યા હતા. તા. 06/09/2025ની ટિકિટ અને 2 મહિનાના વિઝિટર વિઝા આપ્યા હતા, પરંતુ વર્ક પરમિટ વિઝા આપ્યા નહોતા. મહિલાએ પૈસા પરત માગતા પૈસા પરત કર્યા નહોતા અને ખોટા વાયદા કર્યા હતા. ત્યારબાદ મહિલાને ખબર પડી કે, આરોપીઓએ અન્ય લોકો સાથે પણ આવી જ છેતરપીંડી કરી છે.
કોની સાથે કેટલી ઠગાઈ કરી
1. શીતલબેન હરીભાઈ રાજપુત (રહે. 199 ગાયત્રીનગર, ગુરુકુલ વિદ્યાલય પાસે, હરણી, વડોદરા) રૂ. 87,560/-
2. ક્રુપાંશી મનુભાઈ વાઘેલા (રહે. પન્નાલાલની ચાલ, છાણી રોડ, વડોદરા) રૂ. 1,23,000/-
3. રાકેશભાઈ ગણેશભાઈ પટેલ (રહે. C/403, સોનલ હાઈલેન્ડ, નારાયણ ગાર્ડન રોડ, ગોત્રી, વડોદરા) રૂ. 1,30,000/-
4. દક્ષાબેન ભયજીભાઈ પરમાર (રહે. B/12, VMC કોલોની, અમીન પાર્ટી પ્લોટ પાસે, ગોત્રી, વડોદરા) રૂ. 38,000/- (રૂ. 5,000/- પરત મળ્યા)
5. વિભુતીબેન ત્રીભોવનભાઈ મકવાણા (રહે. 203 ઓમકારા હાઈટ્સ, રેડ પેટલ રોડ, સેવાસી કેનાલ, વડોદરા) રૂ. 51,000/- (રૂ. 10,000/- પરત મળ્યા)
6. જયાબેન સંજયભાઈ બિહારી (રહે. B/2 મારુતિનંદન સોસાયટી, પાણીની ટાંકી પાસે, અટલાદરા, વડોદરા) રૂ. 71,000/-
7. દામીનીબેન મહેન્દરભાઈ ગુરુમ (રહે. 17/477 મંગલદીપ ફ્લેટ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગોરવા, વડોદરા) રૂ. 95,000/-
8. ક્રુષ્ણાકુમાર અલ્પેશભાઈ ત્રીવેદી (રહે. D/102 સહજાનંદ રેસિડેન્સી, ચંદ્રમોલેશ્વરનગર પાસે, ગોત્રી, વડોદરા)ની માતા કાજલબેન રૂ. 35,000/- (રૂ. 5,000/- પરત મળ્યા)
આરોપીઓએ 9 લોકો સાથે 6,69,060 રૂપિયાની છેતરપીંડી કરી છે. આ મામલે શિલ્પાબેન રાજપુત અને સેમ્યુઅલ ક્રિશ્ચન સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


